સરકારની વધુ રાહત નહીં મળે તો વોડાફોન-આઈડિયાને તાળાં: બિરલા

06 December 2019 05:41 PM
Business India Technology
  • સરકારની વધુ રાહત નહીં મળે તો વોડાફોન-આઈડિયાને તાળાં: બિરલા

વિશ્ર્વમાં કોઈપણ કંપની ત્રણ મહિનામાં આટલી મોટી રકમ ભેગી કરી શકે નહીં: એજીઆરની ચૂકવણી સંદર્ભે ઈશારો

નવી દિલ્હી તા.6
આદીત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આજે ભારતના ત્રીજા સૌથી મોટા ટેલીકોમ સર્વિસ ઓપરેટર વોડાફોન-આઈડીયાના ભાવિ વિષે ખતરાની ઘંટડી વગાડતાં જણાવ્યું હતું કે સરકાર તરફથી વધુ રાહત નહીં મળે તો કંપની બંધ કરવી પડશે.
કે.એમ.બિરલાએ એક અખબાર આયોજીત કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે અમને જો રાહત નહીં મળે તો અમે દુકાન બંધ કરીશું. અમારા માટે કથાનો અંત હશે. વિશ્ર્વમાં કોઈ કંપની 3 મહિનામાં આટલી મોટી રકમ મેળવી શકે નહીં. હું એવું બને તેમ ઈચ્છતો ન હોવા છતાં આવું બનવું ખેદજનક છે.
તેમના ટેલીકોમ સાહસના વિદેશી ભાગીદાર વોડાફોનના સીઈઓ નીક રીડે પણ ગત મહિને આવો જ મત વ્યક્ત કર્યો હતો. લંડનમાં તેમણે જણાવ્યું હતુંકે સુચવવામાં આવેલો ઉપાય જો તમને ન મળે તો સ્થિતિ ગંભીર છે. જો તમને ચિંતા થતી ન હોય તો તમે લિકવીડેશન પરિદ્દશ્યમાં જઈ રહ્યા છો. એનાથી વધુ સ્પષ્ટ ચિત્ર મળી ન શકે. પાછળથી તેમણે ખુલાસો કર્યો હતો કે તેમના નિવેદનને સંદર્ભ બહાર ટાંકવામાં આવ્યું હતું.
મુકેશ અંબાણીની નવાંગતુક રિલાયન્સ જિયોના સ્પર્ધાના દબાણથી ભારતની જૂની કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન-આઈડીયા નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. ગ્રાહકો જાળવી રાખવા આ બન્ને કંપનીઓને ટેરીફ ઘટાડવા પડયા હતા અને એ કારણે તેમનો નફો ઘસાઈ ગયો હતો.
સ્પર્ધાનો સામનો કરવા વોડાફોન ઈન્ડિયાએ આઈડીયા સેલ્યુલર સાથે ભળી જવા નિર્ણય કર્યો હતો.
ભારતીય ટેલીકોમ કંપનીઓની નાણાકીય મુશ્કેલીઓ સુપ્રીમ કોર્ટના તાજેતરના પેન્ડીંગ એજીઆરની રકમ પરના ચૂકાદાથી વધી હતી. વોડાફોન આઈડીયા અને ભારતી એરટેલએ સપ્ટેમ્બર કવાર્ટરના અંતે સાથે મળી રૂા.75000 કરોડની ખોટ નોંધાવી હતી.
સરકારે સ્પેકટ્રમ સંબંધીત બાકી રકમની ચૂકવણી માટે બે વર્ષની છૂટ આપી છે. ભારતી એરટેલ અને વોડાફોન-આઈડીયા બન્નેને સંયુક્તપણે 42000 કરોડની રાહત મળી છે.
એ પછી ભારતી એરટેલ અને વોડાફોન આઈડીયાએ 3 ડિસેમ્બરથી ટેરિફ વધાર્યા હતા. એને રિલાયન્સ જિયોએ પણ અનુકરણ કર્યું છે.


Loading...
Advertisement