હૈદ્રાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં નવા ખુલાસા

02 December 2019 07:01 PM
India
  • હૈદ્રાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં નવા ખુલાસા

લાશ પુરેપુરી સળગી ગઈ કે નહીં તે જોવા આરોપીઓ ઘટના સ્થળે પાછા આવેલા:પીડિતાને પરાણે દારૂ પીવડાવવાની કોશીશ કરેલી

હૈદરાબાદ તા.2
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક મહિલાના ગેંગરેપ-મર્ડર કેસમાં ધીરે ધીરે ખોફનાક વિગતો ખુલી રહી છે જેમાં નવી વિગતો મુજબ ચારેય આરોપીઓએ પીડિતાને દારુ પીવડાવવાની કોશીશ કરી હતી અને પીડિતાની હત્યા કરી શબ જલાવ્યા બાદ ફરી તે સ્થળે તે તપાસવા આવ્યા હતા કે શબ પુરેપુરું સળગી ગયું છે કે નહીં.તપાસમાં એવી વિગત બહાર આવી છે કે બે આરોપીઓ શિવા અને નવીને નેશનલ હાઈવે 44 પર શમ્શાબાદ અને શાદનગર વચ્ચે પહેલી રસ્તાની રેકી કરી હતી, જયાં તેમણે ચટ્ટનપલ્લી ગામમાં એક અન્ડર પાસ નીચે શબને સળગાવ્યું હતું. આ બન્ને પીડિતાની બાઈકથી આગળ ચાલતા હતા જયારે શબ સાથે બાકી બન્ને આરોપીઓ ટ્રકમાં હતા. શિવા અને નવીને બે-ત્રણ જગ્યાઓ શોધી હતી પરંતુ ત્યાં લોકો હોવાના કારણે ત્યાં નહોતા રોકાયા. હાઈવે પર આખરે અન્ડર પાસ જોયો તો ત્યાં સન્નાટો જોઈને શબને આગના હવાલે કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં ફરી એ જગ્યાએ ચારેય એ જોવા પરત ફર્યા હતા કે શબ પુરેપુરું સળગી ગયું છે કે નહીં.
આ ઉપરાંત નવો ખુલાસો એ પણ થયો છે કે ચારેય આરોપીએ ઘટના સમયે પીડિત મહિલાને જબરદસ્તીથી દારુ પીવડાવવાની કોશીશ કરી હતી પરંતુ પીડિતાએ તેનો ઈન્કાર કર્યો હતો.

ગેંગરેપ-મર્ડર કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવા મુખ્યમંત્રીનો આદેશ
આ ઘટના ખૂબ જ ભયાનક: ચંદ્રશેખર રાવ
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક મહિલા પર ગેંગરેપ-મર્ડર કેસના દેશમાં તીવ્ર આક્રોશને પગલે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. સીએમ રાવે કહ્યું છે. આ ઘટના ખૂબ ભયાનક છે. આરોપીઓને પોલીસ આકરામાં આકરી સજા અપાવશે. સરકાર પીડિત પરિવારની સંપૂર્ણ સહાયતા કરશે. આ મામલે સાધ્વી ઋતંભરાએ જણાવ્યું છે કે મહિલાએ જાતે સક્ષમ બનવાની જરૂર છે.


Loading...
Advertisement