જામનગરમાં રાજપુત સમાજ દ્વારા ગેરકાયદેસર ઉભી રહેતી ઇંડાની રેકડીઓ બંધ કરાવવા ઉઠતી માંગ

02 December 2019 06:25 PM
Jamnagar
  • જામનગરમાં રાજપુત સમાજ દ્વારા ગેરકાયદેસર ઉભી રહેતી ઇંડાની રેકડીઓ બંધ કરાવવા ઉઠતી માંગ
  • જામનગરમાં રાજપુત સમાજ દ્વારા ગેરકાયદેસર ઉભી રહેતી ઇંડાની રેકડીઓ બંધ કરાવવા ઉઠતી માંગ

રેલી યોજી જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીએમસીને પાઠવાયું આવેદનપત્ર

જામનગર તા.2 :
જામનગરમાં તાજેતરમાં સાત રસ્તા વિસ્તારમાં ઇંડાની રેકડીએ નાની વાતમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેના વિરોધમાં આજે રાજપુત સમાજ દ્વારા રેલી યોજી તાત્કાલીક ધોરણે ગેરકાયદેસર ઇંડાની રેંકડીઓ બંધ કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક તથા ડીએમસીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ખાખીનો ખોફ રહ્યો ન હોય તેમ લુખ્ખાઓ બેફામ બન્યા છે. છાશવારે આવા લુખ્ખા તત્વો આંતક મચાવતા હોય તેવા બનાવો બની રહ્યા છે. જયારે રાત્રી પટ્ોલીંગ યોગ્ય રીતે થાય છે કે કેમ તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ શહેરના સાત રસ્તા વિસ્તારમાં રાત્રીના સમયે ઇંડાની રેકડીએ નાની એવી વાતમાં પ્રદિપસિંહ ઝાલા નામના યુવાનની હત્યા થઇ હતી. આ બનાવથી રાજપુત સમાજમાં આક્રોશ હોય આજે રાજપુત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. અને જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીએમસીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં રાજપુત સમાજ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, જામનગરમાં છેલ્લ કેટલાક વર્ષોથી ઇંડાની રેકડીઓ ઉપર ગુન્હાઓ બને છે. જેમાં હત્યાના બનાવો પણ બનેલા છે. જેથી રાજપુત સમાજ અને હિન્દુ સમાજની માંગ છે કે આવા ગેરકાયદેસર ઇંડાની રેંકડીઓ બંધ કરાવવી જોઇએ જેથી આવનારા દિવસોમાં આવા બનાવો બને નહીં.
આ ઉપરાંત હિન્દુઓનો વિસ્તાર છે ત્યાં હિન્દુઓની વસ્તી વધુ હોય છે ત્યાં ઇંડાની રેકડીઓ હોવાથી માથાભારે વ્યક્તિઓ દારૂ પી ને ત્યાં ભેગા થવાનું બંધ થાય તેમ હોય આવી જગ્યાએ ખાસ પોલીસ વ્યવસ્થા રાખવી અને ખાસ કરીને સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ વિસ્તાર, ખંભાળિયા નાકા, ઇન્દીરા માર્ગ, જુના રેલ્વે સ્ટેશનથી હરિયા કોલેજ રોડ, શરૂ સેકશન રોડ, ખોડીયાર કોલોની, પંચવટી જી.જી.હોસ્પિટલ પાસે, વિકાસ ગૃહ, રામેશ્ર્વર ચોક, ધરારનગર, નવાગામ ઘેડ, જકાત નાકા, ગોકુલનગર વિસ્તાર વિગેરેમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ઇંડાની રેકડીઓ ઉભી રહે છે. જયાં અવાર-નવાર માથાકુટના બનાવો બને છે જે શહેરની જનતા જાણે છે માટે કાયદેસરના પગલા લઇ આવી નોનવેજની રેકડીઓ બંધ કરાવવી જોઇએ.
રાજપુત સમાજના યુવાનની હત્યાના પગલે સમાજમાં આક્રોશ હોય તથા આવી ગેરકાયદેસર ઇંડાની રેકડીઓ ઉપર અવાર-નવાર માથાકુટ થતી હોય જેના કારણે તમામ હિન્દુ સમાજ તથા ખાસ રાજપુત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી તાત્કાલીક ધોરણે ગેરકાયદેસર ઇંડાની રેંકડીઓ બંધ કરાવી યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.


Loading...
Advertisement