આપણા અમીરો સડેલા બટેટાની ગુણી જેવા: સત્યપાલ મલિક

02 December 2019 05:52 PM
India
  • આપણા અમીરો સડેલા બટેટાની ગુણી જેવા: સત્યપાલ મલિક

ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં ગવર્નરના અમીરો પર પ્રહારો : અમીરોના ખિસ્સામાંથી દાન માટે એક પૈસો નથી નીકળતો: રાજયપાલ

નવી દિલ્હી તા.2
આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મોત્સવ (ઈફકી)ના સમાપન સમારોહમાં ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકે ફિલ્મી સ્ટાઈલમાં પ્રવચન આપીને દેશના અમીરોની તુલના સડેલા બટેટાની ગુણી સાથે કરી હતી.
સત્યપાલ મલિકે જોરદાર અને આવેશમય પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં માત્ર એ નથી થઈ રહ્યું જે દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણું બધુ એવું થઈ રહ્યું છે જે દેખાતું નથી. હિન્દુસ્તાનમાં હજુ પણ ગરીબ છે, બેરોજગાર છે. ખેડુતોની પણ આવી હાલત છે. જવાનોની હાલત તો હું જોઈને આવ્યો છું. અહીં બેસીને આપણે ભાષણો કરીએ છીએ કે આપણે જવાનો માટે છીએ, તેઓ આ છે, તેમ છે. તેમણે અમીરો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે દેશમાં એવા એવા લોકો છે જેમની પાસે 14-14 માળનો મુકામ છે. એક માળમાં કૂતરો રહેતો હોય છે, બીજા માળમાં ડ્રાઈવર તો ત્રીજા માળમાં અન્ય કોઈ, પણ આ લોકો હિન્દુસ્તાનની ફોજ (સેના) માટે એક પણ પૈસાનું દાન કરતા નથી. રાજયપાલ મલિક ભારતના અમીરોને આડે હાથ લેતા કહ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા લોકો, ચાહે તે લોર્ડ ગિલ્ડ હોય, મ્યુઝીકના લોકો હોય, માઈક્રોસોફટ વાળ હોય... આ બધા પોતાની આવકનો મોટો હિસ્સો દાન કરે છે. પરંતુ આપણે ત્યાં જે અમીરો છે તેમને હું માણસ માનતો નથી, હું તેમને સડેલા બટેટાની ગુણી માનું છું. ફિલ્મવાળાઓએ પણ એ કહેવા માગું છું કે સમાજના આ વર્ગ પ્રત્યે પણ થોડું ધ્યાન આપો.


Loading...
Advertisement