સુરેન્દ્રનગરની ડમ્પીંગ સાઇડમાં કચરો સળગાવવામાં આવતો હોવાની ફરિયાદ

02 December 2019 03:27 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરની ડમ્પીંગ સાઇડમાં કચરો સળગાવવામાં આવતો હોવાની ફરિયાદ

કોંગ્રેસના આક્ષેપને ખોટી વાત ગણાવતા ચીફ ઓફિસર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.2
સુરેન્દ્રનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરો સગળાવવામાં આવતો હોવાની રાવ ઉઠી છે.
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાંની એકઠો કરવામાં આવેલો કચરો ખમીયાણા રોડ પર ડમ્પીગ સાઇટ પર ઠલવવામાં આવે છે. સાંજના સમયે આ કચરાના ઢગલાઓ સળગાવવામાં આવતા હોવાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો છે. અને ધુમાડાના કારણે સમગ્ર શહેરના વાતાવરણ પણ ગંભીર અસર થતી હોય પાલિકા દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખમીયાણા રોડ પર સુરેન્દ્રનગર પાલિકાની ડમ્પીગ સાઇટ આવેલી છે. જ્યાં શહેરમાં એકઠો કરેલો કચરો ત્યાં ઠલવવામાં આવી રહ્યો છે. અને હાલ અંદાજે બે માળની ઇમારત જેટલા કચરાના ઢગલાઓ થઇ ગયા છે. અવારનવાર આ કચરો સળગાવવામાં આવતો હોવાની સ્થાનિક રહીશોએ પાલિકામાં ફરીયાદ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન કરતા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઇ કોટેચા, રોહીતભાઇ પટેલ સહીતનાઓ દ્વારા ડમ્પીંગ સાઇટ પર વોચ ગોઠવી સળગતા કચરાના ઢગલાઓનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં ફરતો કરતા ચર્ચાના ચકડોળે ચડ્યો છે. આ અંગે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ કોટેચાએ જણાવ્યું કે પાલિકા દ્વારા જ કચરાના ઢગલાઓ સળગાવવામાં આવે છે જેના કારણે સાંજના સમયે અને વહેલી સવારે સમગ્ર શહેર પર ધુમાડાનું ધુંધળુ વાતાવરણ છવાઇ જતાં લોકોના આરોગ્યને ગંભીર અસર પહોંચવાની શક્યતા છે. આ અંગે ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે પાલિકા દ્વારા કચરો સળગાવવાની વાત તદ્દન ખોટી છે. કોઇ કારણોસર કદાચ સુકા કચરામાં આગ લાગી હોય તેવી શક્યતા હોઇ શકે છે અને જ્યારે પણ આવી રીતે આગ લાગે છે ત્યારે પાલિકાના ફાયરની ટીમ મોકલવામાં આવે છે.


Loading...
Advertisement