કચ્છના મોટા રણમાં સંશોધન દરમ્યાન 3000 વર્ષ પૂર્વેના લોહયુગના અવશેષો મળ્યા

02 December 2019 02:43 PM
kutch
  • કચ્છના મોટા રણમાં સંશોધન દરમ્યાન 3000 વર્ષ પૂર્વેના લોહયુગના અવશેષો મળ્યા

કાળાડુંગર-વિદ્યાકોટ વચ્ચે મળી આવેલ અવશેષોનું પૃથ્થકરણ કરાતા ઘટસ્ફોટ થયો

ભૂજ તા.2
રણપ્રદેશ કચ્છના મોટા રણવચાડે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં 3 હજાર વર્ષ પહેલાના લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ઘડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણીઓના અવશેષ મળી આવ્યા છે.
કચ્છના મોટા રણમાં 800થી 3 હજાર વર્ષ પહેલાં લોહયુગમાં લોકો વસતા હોવાનું પુરાતત્વીય સંશફોધન બાદ સામે આવ્યું છે. હાલ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિસીમાને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ તે વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. કચ્છ માટે હડપ્પન સંસ્કૃતિ બાદનું ગણનાપાત્ર અને મહત્વનું સંશોધન પ્રસિદ્ધ એલીસવિયર જર્નલમાં આ રિસર્ચ પેપર આર્કિયોલોજીકલ રિસર્ચ ઈન ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ થયું છે. ત્રણ વર્ષ અગાઉ આઈ.આઈ.ટી ખડગપુર, કચ્છ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, કોલકતા યુનિવર્સિટી અને પી.આર.એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘાકોટ વચ્ચેના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો, મોટી માત્રામાં પશુઓના હાડકા અને કોલસો મળી આવ્યા હતા. જેનું ઓપ્ટીકલી સ્ટીમ્યુલેટેડ લુમીનેસસેન્સ અને રેડિયોકાર્બન પદ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરાતા આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું. ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ કચ્છનું જે અફાટ રણ આવેલું છે ત્યાં હજારો વર્ષ અગાઉના સમયમાં નદીઓ વહેતી હતી. આઇ.આઇ.ટીના નિષ્ણાતોના મતે કચ્છ વિસ્તારમાં મળેલા હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા. અહીંના રણમાં હજુ સુધી માનવીય વસાહતના કોઈ જ પુરાવા કે નિશાન જોવા મળ્યા ન હતા. અહીંના નવા પુરાવા મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન બાદ ઉદભવેલા માનવ વસવાટનાં સ્થળોએ હવામાન પલટા અને પાણીની અછતને કારણે સમાપ્ત થયા હોવાનું ચોંકાવનારૂં તારણ પણ કાઢ્યું હતું. અહીંની માટી અને તેના તત્વોની તપાસણી કરાતા જાણવા મળ્યું હતું કે, કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી, અને પુષ્કળ પાણીના કારણે જ પ્રારંભિક આયર્ન યુગથી મધ્યયુગીન સમય સુધી માનવ વસવાટ અહીં ટકી હતી. કચ્છના મોટા રણમાં થયેલા સંશોધનમાં માટલા, છીપલા, ઘડા, બરણીઓ અને આખલાના પૂતળાં જેવી વસ્તુઓ ઉપરાંત હાડકાં અને દાંત સહિતના અસંખ્ય પ્રાણીના અવશેષો પણ મળી આવ્યા છે. જેથી તે દર્શાવે છે કે, મોટી સંખ્યામાં હાડકાં હતા. એટલે તે સમયે સંભવત પશુપાલન એ મોટો વ્યવસાય હતો. વિઘાકોટમાં ચાઈનીઝ અવશેષો મળતા સંશોધકોના મતે કરીમશાહી અને વિઘાકોટ બન્ને કદાચ આ સમય દરમિયાન ટ્રેડ સેન્ટર તરીકે કાર્યરત હતા. વિઘાકોટમાં તેમને 1100 વર્ષ જૂનું ચાઇનીઝ કિંગબાઈ પોર્સેલેઇન મળ્યું હતું, જે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બનાવવામાં આવ્યું હતું. આ સાથે દસમી સદીના પર્શિયાના સ્ગ્રાફિઆટો માટીકામ મળી આવ્યા છે. જેથી સંશોધકોએ કહ્યું હતું કે, પશ્ચિમ એશિયા અને ચીન વચ્ચેના લાંબા અંતરના વેપાર માર્ગ માટે વિઘાકોટ મહત્વનું ટ્રેડ સેન્ટર હતું.
કચ્છમાં ધોળાવીરા, કાનમેર, કુરન, ખટિયા, ધાણેટી સહિતની 150 જેટલી સાઇટ કચ્છમાં જ આવેલી છે. કચ્છના લખપતમાં ખટિયામાં બરીયલ સાઇટ મળી છે. હાલ અંદાજીત 10 જેટલી સાઇટ પર કામ ચાલુમાં છે. કચ્છમાં અત્યાર સુધી 2000થી લઈને 5000 વર્ષ સુધીના જેને હડપ્પન, આયરન, મિડ઼ેવેલ યુગ કહેવાય છે તેના અવશેષો મળી આવ્યા છે. જેમાં કેટલાક ઓજારો, માટીના વાસણો, લોખંડ અને કોપરનું સ્લેગ મટિરિયલ, ઝવેલરી જેવી અનેક વસ્તુઓ મળી આવી છે. આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અંદર આર્કયોલોજીનું કામ કરવા માટે ફન્ડીંગ ગુજરાત સરકાર આપે તેવા પ્રપોઝલ મુકાશે. હાલ રણમાં મળેલ લોહયુગના અવશેષોના સંશોધન માટે પણ ફન્ડીંગ આઇટી ખડકપુરે આપ્યું હતું. અગાઉ લખપતમાં ખાટિયા સાઇટ માટે પણ ફન્ડીંગ ગુજરાત સરકારે નથી આપ્યું. જો ગુજરાત સરકાર રિસર્ચ માટે ફન્ડીંગ આપે તો કચ્છમાં જ 150થી વધુ સાઇટ પર સારી રીતે કામ કરી શકાય.


Loading...
Advertisement