ફડણવીસે કલાકોમાં કેન્દ્રને 40000 કરોડ મોકલી દીધા: ભાજપપ્રધાનનો ધડાકો

02 December 2019 02:07 PM
India Politics
  • ફડણવીસે કલાકોમાં કેન્દ્રને 40000 કરોડ મોકલી દીધા: ભાજપપ્રધાનનો ધડાકો

શિવસેના ફંડનો દુરુપયોગ ન કરે એ માટે 15 કલાકમાં ફડણવીસે કેન્દ્રને પૈસા પાછા મોકલી આપ્યા:અનંતકુમાર હેગડેના વિધાનથી મહારાષ્ટ્રમાં ભૂકંપ: ફડણવીસનો ઈન્કાર: કોંગ્રેસ તપાસ કરાવશે

મુંબઈ તા.2
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસની રાતોરાત શપથવિધિનું રહસ્ય ત્વરિત ગતિએ બનેલા રાજકીય ઘટનાક્રમોમાં છુપાયુ હોવાનું મનાતું હતું, પણ કેન્દ્રના પ્રધાન અનંતકુમાર હેગડેના જણાવ્યા મુજબ રૂા.40,000 કરોડના કેન્દ્રીય ફંડનો દુરુપયોગ રોકવા ફડણવીસને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા. કર્ણાટકના નેતાના આક્ષેપથી મહારાષ્ટ્ર ભાજપ અને પુર્વ મુખ્યપ્રધાન ફડણવીસ માટે મુંઝવણની સ્થિતિ ઉભી થતાં તેમને ખુદ પક્ષના નેતાના જ દાવાનું ખંડન કરવું પડયું હતું.
રવિવારે હેગડેએ જણાવ્યું હતું કે રૂા.40000 કરોડના કેન્દ્રીય ફંડનો ઉપયોગ રોકવા બહુમતીનો ટેકો ન હોવા છતાં ફડણવીસે 80 કલાક સુધી મુખ્યપ્રધાન પદ સંભાળવાનું નાટક કરવું પડયું હતું. તમે બધા જાણો છો કે અમારો માણસ (ફડણવીસ) 80 કલાક મહારાષ્ટ્રની ગાદીએ રહ્યો અને પછી રાજીનામું આપ્યું. આવું નાટક તેમણે શા માટે કર્યું? અમને ખબર નહોતી કે અમારી પાસે બહુમતી ન હોવા છતાં તે મુખ્યપ્રધાન બન્યા. આ પ્રશ્ર્ન દરેક પૂછી રહ્યા છે.
ઉતર કન્નાડાના સાંસદ હેગડેએ દાવો કર્યો હતો કે શિવસેનાના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીએ આ ફંડનો દુરુપયોગ કર્યો હોત.
મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્ર સરકાર સંખ્યા અને હોદાની વહેંચણીની વાતો કરી રહી હતી ત્યારે ફડણવીસે અણધારી રીતે એનસીપીના બળવાખોર નેતા અજીત પવારના ટેકાથી સરકાર રચી હતી.
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે નાણાં ટ્રાન્સફર કરતા ફડણવીસને માત્ર 15 કલાક લાગ્યા હતાં. એ ફંડ કેન્દ્ર સરકારને પાછું આપવામાં આવ્યું હતું. હેગડેના જણાવ્યા મુજબ રાજભવન ખાતે શનિવારે સવારે 8 વાગ્યે ફડણવીસે શપથ લઈને આશ્ર્ચર્યજનક રાજકીય ભૂકંપ સર્જયો એનું આયોજન બહુ પહેલા કરાયું હતું. નાટક કરવાનો નિર્ણય કરાયો હતો. ભાજપએ ફંડ બચાવવા નાટક કર્યું હતું.
દરમિયાન, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રના કેબીનેટ પ્રધાન સાથે વાતચીત કરી અનંતકુમાર હેગડેએ જે કંઈ કહ્યું તેની ચકાસણી કરાવશે.
દરમિયાન, શિવસેના પ્રવકતા સંજય રાઉતે હેગડેના નિવેદનના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે ફડણવીસે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો છે.


Loading...
Advertisement