તસ્કરો બેફામ : ગોંડલના પાટખીલોરીના સ્મશાનમાંથી અંતિમ સંસ્કારનો ખાટલો ઉઠાવી ગયા

02 December 2019 01:46 PM
Gondal
  • તસ્કરો બેફામ : ગોંડલના પાટખીલોરીના સ્મશાનમાંથી અંતિમ સંસ્કારનો ખાટલો ઉઠાવી ગયા

ગ્રામજનોમાં ભભૂકી ઉઠેલો ઉગ્ર રોષ : પોલીસમાં ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.2
તસ્કરોએ હવે માજા મૂકી છે રહેણાંક મકાન , વાડી ખેતરમાં તો ચોરીની ઘટનાઓને અંજામ આપીજ રહ્યા છે ત્યારે તાલુકાના પાટ ખીલોરી ગામે સ્મશાનનો ખાટલો ચોરી કરી લઈ જતા ગ્રામજનો રોષે ભરાયા છે.
રાજ્યના વનવિભાગ દ્વારા ઘણાં ગામડાઓના સ્મશાન ગૃહોમાં મૃતકોને અંગ્નિસંસ્કાર કરવા માટેના ખાટલાઓનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ગોંડલના પાટખિલોરી ગામે સ્મશાનગૃહમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ લોખંડનો ખાટલો તસ્કરો ચોરી ગયાં હોવાની ઘટના બની છે.
સ્મશાનમાં મૃતકોના અંગ્નિસંસ્કાર માટેના અંદાજે રૂપિયા 70 થી 80 હજાર ની કિંમતના ખાટલાની ચોરી થતાં ગામના સરપંચ જગદીશભાઈ લુણાગરિયા એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરી હતી. તો બીજી તરફ કહેવાય છે કે એક વખત તો બધાને ત્યાં જવું જ છે તેમ છતાં ગોંડલ પંથકમાં બેફામ બનેલ તસ્કરી રાજ વચ્ચે તસ્કરોએ પાટખિલોરી ગામે સ્મશાન ગૃહને નિશાન બનાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે.


Loading...
Advertisement