અંતે ધોરાજી વિસ્તારના ખેડૂતોને ન્યાય: સંપાદિત જમીનનું વળતર ચૂકવાશે

02 December 2019 01:28 PM
Dhoraji
  • અંતે ધોરાજી વિસ્તારના ખેડૂતોને ન્યાય: સંપાદિત જમીનનું વળતર ચૂકવાશે

કાર્યપાલક ઈજનેર દ્વારા કોર્ટના હુકમ મુજબ રકમ ભરવા માટે બાંહેધરી અપાતા ખેડુતોમાં હર્ષની લાગણી

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.2
સરકાર દ્વારા ભાદર-2 ડેમ બનાવવા માટે ધોરાજી તથા તાલુકાના ભુખી તથા તરવડા ગામની જમીનો, જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ જમીન સંપાદન અધિકારી રાજકોટ દ્વારા સંપાદન કરવામાં આવેલ જેની સામે ખેડુતોએ કાયદા મુજબ મળતું મહતમ વળતર આપવા માંગણીઓ કરેલ.
જે વળતર મળવાના કેસે 2003ની સાલમાં તથા ત્યારબાદ સમયાનુસાર દાખલ કરવામાં આવેલ જેના ચુકાદાઓ 2019માં ધોરાજી કોર્ટ સિવિલ જજ (સીડી) દ્વારા જાન્યુઆરી માસની આસપાસ આપવામાં આવેલ હતા પરંતુ સરકાર દ્વારા કોર્ટના હુકમનું પાલન ન થતા ખેડુતોએ કોર્ટના હુકમ મુજબની રકમ વસુલવા જુદા જુદા દરખાસ્ત કેસો દાખલ કરેલ. કોર્ટના હુકમ મુજબની ખેડુતોની લેણી રકમ સરકાર દ્વારા ભરપાઈ ન થતા વોરંટ કાઢવાના હુકમો કરેલ.
જે વોરંટને આધારે ખેડૂતોએ સબ રજીસ્ટ્રાર કચેરી (2) પેટા તિજોરી કચેરી ધોરાજી (3) નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીની જપ્તી તા.18-11ના રોજ કરવામાં આવતા આ કચેરીના કામકાજ આજદિન સુધી બંધ રહેલ.
જેના પરિણામે પબ્લિકના દસ્તાવેજ નોંધણી લોન વિગેરેના કામે ઠપ્પ થઈ ગયેલ તેમજ ટ્રેજરી કચેરી દ્વારા થતા પગારો, પેન્શન વિગેરેના કામો અટકી પડેલ હતા. તેમજ સિંચાઈ વિભાગમાં લોકોના કામો અટકી ગયેલ હતા, 12 દિવસથી આ કફોડી પરિસ્થિતિ હોવા છતા સરકારના પેટનું પાણી હલતું ન હતું.
આખરે તા.28-11ના રોજ ખેડૂતોના વકીલ જી.એમ. ઠેસીયાએ કોર્ટમાં નાયબ કલેકટર ધોરાજી તથા કાર્યપાલક ઈજનેર ધોરાજીને જેલમાં બેસાડવા અરજીઓ આપેલ. તેમજ ખેડુતોના હકકના નાણા સરકાર ભરતી ન હોય ચીફ સેક્રેટરી ગુજરાત રાજય તથા એડી. ચીફ સેક્રેટરી તથા ગુજરાત રાજયને સરકાર પાસે કેટલા પૈસા છે તે સોગંદ ઉપર જાહેર કરવા અરજીઓ કરેલ. જે અરજી કોર્ટ સમક્ષ તા.30-11ના સાંભળવા ઉપર હતી. આખરે સરકાર નીચે કોર્ટના હુકમે સામે રેલો આવતા કાર્યપાલક ઈજનેર દ્વારા સોગંદનામું કરી ખેડુતોના કોર્ટના હુકમ મુજબની રકમો તા.12-12 સુધીમાં ભરવાની બાંહેધરી આપતા આખરે ન્યાયનો વિજય થયો હતો.
ખેડૂતોને તેના હકકની રકમ મળી જાય તેમ હોય હર્ષની લાગણી ફેલાઈ હતી અને વરસો બાદ જમીન વિહોણા, તથા લાચાર થયેલ ખેડુતોને તેની જમીનની વળતરની રકમ મળશે. આ દ્દષ્ટાંત એ વાતની પ્રતીતિ કરાવે છે કે સરકાર જે જાહેર જનતાના તથા ખેડુતોના હિતની વાતો કરે છે. પરંતુ સમય આવ્યે તેનું પાલન સમયસર કરતી નથી. ખેડુતે તરફથી જી.એમ. ઠેસીયા વકીલ તરીકે રોકાયેલ હતા.


Loading...
Advertisement