બજાજ V/S સરકાર: ‘ડર’ના વિધાન પછી ભાજપ પ્રધાનો-નેતાઓ મેદાને

02 December 2019 12:47 PM
Business India Politics
  • બજાજ V/S સરકાર: ‘ડર’ના વિધાન પછી ભાજપ પ્રધાનો-નેતાઓ મેદાને

આવી વાતો ફેલાવાથી રાષ્ટ્રીય હિતને નુકશાન થાય છે: સીતારામન : બજાજ અમિત શાહ સામે બોલી શકયા એ લોકશાહી સૂચવે છે: હરદીપ પુરી : ઉદ્યોગપતિના સમર્થનમાં ઉતરતા બાયોફોનના કિરણ મજુમદાર શો

મુંબઈ તા.2
ઉદ્યોગપતિ રાહુલ બજાજે ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને રેલ્વે પ્રધાન પિયુષ ગોયલની હાજરીમાં દેશમાં ડરનો માહોલ હોવાનું જણાવતા કાર્યક્રમમાં સોંપો પડી ગયો છે. એ પછી બજાજને સમર્થન આપતા બાયોફોનના સ્થાપક ચેરમેન-એમડી કિરણ મઝુમદાર શોએ પણ જણાવ્યું છે કે સરકાર અર્થતંત્રની ટીકા સાંભળવા માંગતી નથી. બીજી બાજુ નિર્મલા સીતારામને બજાજના નિવેદન બાબતે ટીકા કરતા જણાવ્યું હતું કે આવી વાતોથી રાષ્ટ્રહિતને નુકશાન પહોંચે છે. બીજી બાજુ, શહેરી બાબતો અને નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે બજાજ પોતાના વિચારોને વાચા આપી શકયા અને જોડાવા બીજાને ઉશ્કેરી શકયા તે સૂચવે છે. લોકશાહીનો શું અર્થ છે.
બજાજે જણાવ્યું હતું કે યુપીએ શાસન-2માં અમે સરકારની ખુલ્લી ટીકા કરી શકતા હતા, વર્તમાન સમયમાં તમે સારું કામ કરી રહ્યા છો છતાં જો અમે ટીકા કરશું તો અમને ખબર નથી કે તમે એને કઈ રીતે લેશો.
બજાજના નિવેદન બાબતે સમારંભમાં ઉપસ્થિત ગૃહપ્રધાન અમિત શાહે સંયમિત અને ઉચિત જવાબ આપ્યો હતો કે જો આમ હોય તો અમારે સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવા પડશે, પણ નાણાપ્રધાન અને શહેરી વિકાસ પ્રધાન અને ભાજપના પ્રવકતાની પ્રતિક્રિયાઓ અને ટિવટર પર બજાજ પર પસ્તાળ પાડવામાં આવી તે બતાવે છે કે સરકાર અને ભાજપના સમર્થકોએ ટીકા હળવાશથી લીધી નથી.
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે બજાજની વાતને વેગ મળશે તો રાષ્ટ્રીય હિતોને નુકશાન પહોંચશે.
તેમણે જણાવ્યું હતું કે ગૃહપ્રધાન અમિત શાહે બજાજની ચિંતાઓનો જવાબ આપ્યો છે. પોતાની છાપ ફેલાવતા પહેલા જવાબ માંગવો હંમેશ વધુ સારો છે. છાપ ફેલાતાં રાષ્ટ્રીય હિતોને નુકશાન થાય છે.
બીજી બાજુ, ભાજપના પ્રવકતાએ આક્ષેપ કર્યો હતો કે બજાજે વિપક્ષના પ્રભાવમાં આવી આવું નિવેદન કર્યું છે અથવા તે વિપક્ષી છાવણીમાં બેસી ગયા છે.
બાયોકોનના અધ્યક્ષ કિરણ મઝુમદાર શોએ બજાજને ટેકો આપતા જણાવ્યું હતું કે સરકાર અર્થતંત્રની ટીકા સાંભળવા માંગતી નથી.
બીજી બાજુ, કોંગ્રેસ બજાજના ટેકામાં આવી ગઈ છે. કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહે જણાવ્યું હતું કે રાહુલ બજાજ એ પરિવારના છે. જેમણે આઝાદીની લડાઈમાં બ્રિયીશ હકુમતનો વિરોધ કરી મહાત્મા ગાંધીને સાથ આપ્યો હતો. આજના ઉદ્યોગપતિઓમાં જે ભય અને આતંકનું વાતાવરણ છે તેને સાફ શબ્દોમાં કહી સાહસનો પરિચય આપ્યો છે.


Loading...
Advertisement