મધરાતથી મોબાઈલ કોલ-ડેટા મોંઘા થશે: ગ્રાહક પર સરેરાશ રૂા.100નો બોજ: કંપનીઓનો 42 ટકા સુધી દર વધારો

02 December 2019 11:53 AM
Business India
  • મધરાતથી મોબાઈલ કોલ-ડેટા મોંઘા થશે: ગ્રાહક પર સરેરાશ રૂા.100નો બોજ: કંપનીઓનો 42 ટકા સુધી દર વધારો

વોડાફોન-આઈડીયા તથા એરટેલના નવા મોંઘા પ્લાન આજે મધરાતથી લાગુ થશે: કનેકશન ચાલુ રાખવા પણ રૂા.35ને બદલે 49 ચૂકવવા પડશે: રીલાયન્સ જીયોનો ભાવવધારો 6ઠી ડિસેમ્બરથી લાગુ : ટેલીકોમ કંપનીઓ દર મહિને રૂા.36000 કરોડ ખંખેરશે, કોંગ્રેસનો દાવો: તોતીંગ વધારો કરવાની છુટ્ટ આપવા માટે સરકાર સામે પણ સવાલ

નવી દિલ્હી તા.2
અનલીમીટેડ મફત મોબાઈલ ફોનનો યુગ પુરો થયો છે અને આજે મધરાતથી વોડાફોન-આઈડીયા તથા એરટેલના પોન તથા ડેટા મોંઘા થઈ જશે. રીલાયન્સ જીયો પછી આ બન્ને કંપનીઓએ પણ કોલ ડેટાદર વધારી દીધા છે. મોબાઈલ ગ્રાહકો પર દર મહિને સરેરાશ રૂા.100નો બોજ પડશે. કોંગ્રેસે દર મહિને ટેલીકોમ કંપનીઓ 36000 કરોડ ખંખેરશે તેવો દાવો
કર્યો છે.
દેશની ટેલીકોમ કંપનીઓ દ્વારા ત્રણ-ચાર વર્ષ પછી ભાવવધારો કરવામાં આવ્યો છે. વોડાફોન-આઈડીયાએ 3 ડિસેમ્બર અર્થાત આ જ મધરાતથી પ્રિ-પેઈડ ગ્રાહકો માટે કોલ-ડેટા ચાર્જ મોંઘા કરવાની જાહેરાત કરી છે. એરટેલના ફોન પણ આવતીકાલથી જ મોંઘા થઈ જશે.
વોડાફોન-આઈડીયાએ અન્ય નેટવર્ક પરના આઉટ ગોઈંગ કોલમાં પ્રતિ મીનીટ 6 પૈસા વસુલવાની જાહેરાત કરી છે. કંપનીએ બે દિવસ, 28 દિવસ, 84 દિવસ, 365 દિવસની વેલીડીટી ધરાવતા પ્લાન લોન્ચ કર્યા છે તેની ગણતરી કરવામાં આવે તો 41.2 ટકા મોંઘા થવા જાય છે.
કંપનીએ અનલીમીટેડ કોલ-ડેટા પ્લાનની સાથોસાથ અમુક નવા પ્લાન પણ જાહેર કર્યા છે. સૌથી વધુ 41.2 ટકાનો વધારો વાર્ષિક પ્લાનમાં છે જે વર્તમાન 1699ના સ્થાને રૂા.2399 થશે. કંપની પર 1.17 લાખ કરોડનું દેણુ છે. નાણાં કટોકટી દુર કરવા મોબાઈલ કોલ-ડેયા મોંઘા કરવામાં આવ્યા છે.
એરટેલ દ્વારા પણ મધરાતથી જ ભાવવધારો લાગુ પડશે. વોડાફોન આઈડીયાની સરખામણીએ ભાવવધારો થોડો ઓછો છે. સરેરાશ 41.14 ટકાનો ભાવવધારો લાગુ પડશે.
આવતીકાલથી ફોનજોડાણ ચાલુ રાખવા માટે બન્ને કંપનીઓના ગ્રાહકોએ ન્યુનતમ રૂા.49નો ખર્ચ કરવો પડશે.
રીલાયન્સ જીયો દ્વારા મોંઘા કોલદરનો અમલ 6ઠી ડિસેમ્બરથી કરવામાં આવનાર છે અને તેના ઓલ-ઈન-વન પ્લાન 40 ટકા જેવા મોંઘા થશે.
એરટેલ તથા વોડાફોન આઈડીયાએ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે કોઈ ભાવવધારો કર્યો નથી.
મોબાઈલ કંપનીઓના આ ભાવવધારાથી વોઈસ કોલીંગને મોટી અસર થશે. ખાસ કરીને અન્ય કંપનીના નેટવર્કમાં કોલ કરવાનું મોંઘુ થશે. દાખલા તરીકે વોડાફોન આઈડીયાના 28 દિવસના રૂા.299ના પ્લાનમાં અન્ય નેટવર્ક પર મફત કોલમાં 1000 મીનીટની સુવિધા મળશે. ત્યારબાદ પ્રતિ મીનીટ 6 પૈસાનો ચાર્જ લાગશે. સમાન નેટવર્કમાં થનારા ફોન સંપૂર્ણ મફત રહેશે.
દરમ્યાન કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે ફોનકોલ મોંઘા કરીને ટેલીકોમ કંપનીઓ દર મહિને ગ્રાહકો પાસેથી 36000 કરોડ ખંખેરશે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે 120 કરોડ ગ્રાહકોને સરેરાશ રૂા.100નો બોજ સહન કરવો પડશે. વોઈસકોલમાં રૂા.100 તથા ડેટામાં 200નો બોજ પડશે. અર્થાત કંપનીઓને 36000 કરોડ મળશે. આવો તોતીંગ ભાવવધારો કરવા દેવા સરકારે આપેલી છુટ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.


Loading...
Advertisement