સ્પોર્ટ્સ-ડ્રામાની રિક્તતાનું મેણું ભાંગતી ‘ગુજરાત 11’

30 November 2019 10:52 AM
Entertainment
  • સ્પોર્ટ્સ-ડ્રામાની રિક્તતાનું મેણું ભાંગતી ‘ગુજરાત 11’

એક જ શુક્રવારે ચાર-ચાર ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં ધૂમ મચાવી રહી હોય એનાથી વધુ સોહામણી વાત બીજી કઈ હોઈ શકે? ગુજરાત 11, દિયા : ધ વન્ડર ગર્લ, હેલ્લારો અને ચાલ જીવી લઈએ! એમાંય પાછી બે તો નવીનક્કોર સ્પોર્ટ્સ ડ્રામા. ‘ગુજરાત 11’ માટે વ્હાલ એટલા માટે વધુ છે, કારણકે ભૂતકાળમાં એ ફિલ્મના ડિરેક્ટર સિનેમાઁને રાજી કરી ચૂક્યા છે. ચોક-ડસ્ટર અને ગુજરાતી નટસમ્રાટના કેટલાક દ્રશ્યો તો હજુ પણ સિનેમાઁને યાદ છે. જયંત ગિલાટર શૂન્યમાંથી બેઠો થયેલો વ્યક્તિ છે. પોતાની આરામદાયક નોકરી છોડીને કેમેરાના કચકડે વાર્તા વર્ણવવાની હિંમત કેળવવી એ દરેકના હાથની વાત નથી.
ઇમાનદાર પોલીસ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહેલી દિવ્યા (ડેઇઝી શાહ)ને એક હાઇ-પ્રોફાઇલ કેસમાં ઊંચા ગજાની વ્યક્તિના દીકરાને જેલમાં પૂરવાની સજાના ભાગરૂપે, સુરતના જુવેનાઇલ હોમમાં બદલી કરી આપવામાં આવે છે. જ્યાં તેનો પનારો પડે છે, અલગ અલગ પ્રકારનો ગુનો કરીને આવેલા 18 વર્ષથી નીચેના બાળકો સાથે! કમિશ્નરની પરવાનગી લઈને તે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાના જુવેનાઇલ હોમમાં રહેતા બાળકોની એક ફૂટબોલ ટીમ બનાવે છે : ગુજરાત 11! અંદરોઅંદરના ઝઘડા અને વિખવાદને સમેટીને શું તેઓ બાકીના રાજ્યોની ધુરંધર ટીમોને હરાવી શકશે?
ગરવી ગુજરાતણ એવી ડેઇઝી શાહની આ પહેલીવહેલી ગુજરાતી ફિલ્મ છે. પોલીસ ઓફિસરનું પાત્ર નિભાવતી વખતે તેનામાં જે રૌફ અને ખુદ્દારી દેખાવી જોઈએ, એ અહીં છે. નિર્મલ મહેતાના પાત્રમાં પ્રતિક ગાંધી ફરી એક વખત બાજી મારી ગયો છે. અભિનય અને સ્ક્રીન-પ્રેઝન્સ બાબતે તેનો કોઈ જોટો જડે એમ નથી. આમ છતાં ડેઇઝીની હાજરીમાં તે ક્યાંક થોડોક દબાઈ ગયો હોય એવું લાગ્યા રાખે છે. ‘ગુજરાત 11’ના પ્રાણ જુવેનાઇલ હોમના એ બાળકો છે, જેમણે સાવ નાની ઉંમરમાં રૂપેરી પડદે અભિનયના અજવાસ પાથર્યા છે. તેમની ફ્લોલેસ એક્ટિંગને કારણે ફિલ્મ વધુ રસપ્રદ બને છે. એમના ચહેરા પર ટિપિકલ ગુજરાતી ફિલ્મોની માફક કૃત્રિમ હાવભાવની છાંટ પણ નથી દેખાઈ, જે આનંદની વાત છે. કવિન દવે અને ચેતન દૈયા પણ પોતપોતાના ટચૂકડા રોલને ન્યાય આપવામાં સફળ થયા છે. પત્રકારત્વ જગતના બે અત્યંત જાણીતાં ચહેરાઓ એટલે કે આશુ પટેલ અને નીલેશ દવેના સાનંદાશ્ર્ચર્ય ગેસ્ટ અપિરિયન્સ પ્રેક્ષકો માટે ડેઝર્ટ સમાન પૂરવાર થશે.
બધું જ વ્યવસ્થિત અને અપ-ટુ-ડેટ હોવા છતાં ડિરેકટર જયંત ગિલાટર ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર, વીએફએક્સ અને મ્યુઝિક બાબતે થાપ ખાઈ ગયા છે. ફિલ્મના વિષયવસ્તુને અનુરૂપ કર્ણપ્રિય ગીતો આપવામાં મ્યુઝિક ડિરેક્ટર રૂપકુમાર રાઠોડ નિષ્ફળ નીવડ્યા છે. જોકે, આ નબળાઈઓ એટલી મોટી નથી કે ફિલ્મની મજા મારી નાંખે! ‘ગુજરાત 11’ને જોવાલાયક બનાવે છે તેની વાર્તા, સ્ક્રીનપ્લે અને સિનેમેટિક ટ્રીટમેન્ટ! ગુજરાતી સિનેમામાં કંઈક હટકે જોવાની ઇચ્છા હોય તો ખાસ જોવા જેવી ફિલ્મ.

કેમ જોવી? : પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ડ્રામા ચૂકી ન જવી હોય તો!
કેમ ન જોવી? : ગુજરાતી ભાષા સાથે છત્રીસનો આંકડો હોય તો!

: ક્લાયમેક્સ :
આ અઠવાડિયે સિનેમાઁનો પ્રેમ પ્રેક્ષકો પર ખોબલે-ખોબલે ઉભરાયો છે. દિયા, કમાન્ડો-3 અને મુંબઈ હોટેલ પણ રીલિઝ થઈ ચૂકી છે, હોં કે!


Loading...
Advertisement