ભૂજની હવાઇ સેવા બંધ થતા પ્રવાસન અને હસ્તકલા ઉદ્યોગને મરણતોલ ફટકો

27 November 2019 02:34 PM
kutch Travel
  • ભૂજની હવાઇ સેવા બંધ થતા પ્રવાસન અને હસ્તકલા ઉદ્યોગને મરણતોલ ફટકો

સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓને પૂરતી હવાઇ સગવડતા નહિ : હોટલ ઉદ્યોગમંદો

ભુજ, તા. ર7
ભુજ-મુંબઈ વચ્ચે ઉડતી જેટ એરવેઝની ફ્લાઈટ ગત એપ્રિલ માસથી બંધ થઈ જતાં તેની સીધી અસર હાલ શરૂ થયેલી પ્રવાસનની સીઝન પર અસર વર્તાઈ રહી હોવાનું ભુજ હોટેલ ઓનર્સ એસોસિએશને જણાવ્યું છે.
એક સમયે કચ્છની ઓળખ માત્ર હસ્તકલાના પ્રદેશ તરીકે હતી. હસ્તકલા-કારીગરીમાં રસ હોય તેવા ગણ્યાંગાંઠ્યા દેશી-વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હતા.વર્ષ
2004-05 બાદ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ધોરડો ખાતેના સફેદ રણની ચાંદનીમાં ‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા’વાળા અમિતાભ બચ્ચના મુખે બોલાયેલાં એ સૂત્રનો એવો તો પડઘો પડ્યો કે દેશના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો રાતોરાત હોટ ઈન્ટરનેશનલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગયો. છેલ્લાં એક દાયકામાં વર્ષોવર્ષ સફેદ રણોત્સવની ખ્યાતિ એટલી વધવા માંડી છે કે દિવાળીથી જ કચ્છમાં દેશી-વિદેશી લાખ્ખો પ્રવાસીઓ ઉમટવા માંડે છે. એક સમયે ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ પર નભતાં કચ્છમાં ટુરીઝમ પણ અર્થતંત્રનો મુખ્ય પાયો બન્યું છે. લાખ્ખો પ્રવાસીઓ ઉમટતાં જિલ્લામથક ભુજમાં નવી-નવી હોટેલો અસ્તિત્વમાં આવી છે અને જૂની હોટેલોએ પણ નવા રૂપરંગ સાથે પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે. આજે ભુજ શહેરની ભાગોળે આવેલા મિરઝાપર અને માધાપર હોટેલના હબ બની ગયાં છે. તમામ ક્ષેત્રોમાં મંદી વચ્ચે કચ્છનો હોટેલ ઉદ્યોગ પણ તેની માઠી અસરો અનુભવી રહ્યો છે.
ભુજ-મુંબઈ વચ્ચેની હવાઈ સેવાને બ્રેક લાગતા પ્રવાસીઓના આગમન પર સીધી અસર પડી છે. પાછલાં થોડાંક વર્ષોથી ભુજ-મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની રોજની એક ફ્લાઈટ ઉપરાંત ખાનગી એરલાઈનની સવાર-સાંજ બે ફ્લાઈટ મળી દૈનિક 3 ફ્લાઈટ ઉડતી હતી. પરંતુ, ખાનગી એરલાઈનની સેવા બંધ થઈ જતાં હવે માત્ર એક જ ફ્લાઈટ પર આધાર રાખવો પડ્યો છે. ડાયનેમિક ફેરના કારણે કમ્મરતોડ ભાડાં અને અપૂરતી સીટના કારણે ફ્લાઈટથી સીધા ભુજ આવનારાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. તેનો સીધો માર કચ્છના હોટેલ ઉદ્યોગને પડી રહ્યો છે. સામાન્ય રીતે કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓ ભુજ આવી રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. જિલ્લા મથક ભુજથી સફેદ રણ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કચ્છના અન્ય પ્રવાસનના સ્થળોનો પ્રવાસ ખેડવામાં તેમને વધુ સુગમતા રહે છે.
જો સરકાર દ્વારા તાકીદે ભુજને જોડતી નવી ફ્લાઈટો શરૂ નહીં કરાય તો આ ધંધા-રોજગારને બહુ મોટો ફટકો પડવાની ભીતિ નિશ્ચિત હોવાનું ભુજ હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ભાનુકાંત ઠક્કરે જણાવ્યું છે. કચ્છ માટે ઓક્ટોબરથી લઈ ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ટુરિસ્ટ સીઝન ગણાય છે. આ સમયગાળામાં પ્રવાસીઓ ઉપરાંત વિદેશ વસતાં કચ્છી એનઆરઆઈ પણ મોટી સંખ્યામાં વતનની મુલાકાતે આવતા રહેતા હોય છે. ત્યારે, આ સમયગાળા પૂરતી વધારાની ફ્લાઈટ શરૂ કરાય, ભુજને અન્ય શહેરો સાથે જોડતી વધારાની ટ્રેનસેવા શરૂ કરાય તો જિલ્લાના અર્થતંત્રના પાયો બની ગયેલાં પ્રવાસન ઉદ્યોગને મોટી રાહત થશે તેવી આશા ભાનુભાઈએ વ્યક્ત કરી છે.
આજે કેન્દ્ર સરકાર નાનામાં નાના શહેરોને વધુ ને વધુ હવાઈ સેવાથી જોડવા પ્રયાસ કરી રહી છે ત્યારે સરકાર કચ્છના પ્રવાસનને નજરે રાખી બંધ થઈ ગયેલી એરલાઈનના સ્થાને તાકીદે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરે તેમ ભુજ હોટેલ ઓનર્સ એસોસિએશન ઉપરાંત ટુરિઝમ પર નભતાં હજારો લોકો ઈચ્છી રહ્યાં છે. સફેદ રણના વિકાસ દ્વારા કચ્છને એક નવી ઓળખ સાથે રોજગારનો નવો સ્ત્રોત આપનારાં વડાપ્રધાન મોદી આ દિશામાં જરૂરથી પગલાં લેશે તેવી અપેક્ષા એસોસિએશને વ્યક્ત કરી છે.


Loading...
Advertisement