મોરબીના સિરામીક ઉદ્યોગ પર 400 કરોડના દંડની લટકતી તલવાર! ધંધાર્થીઓ નારાજ

26 November 2019 12:46 PM
Morbi Business Gujarat
  • મોરબીના સિરામીક ઉદ્યોગ પર 400 કરોડના દંડની લટકતી તલવાર! ધંધાર્થીઓ નારાજ

સુકા સાથે લીલુ બાળીને અન્યાયી કાર્યવાહી : આડેધડ નોટીસ : પ્રદૂષણ ફેલાવનારાને દંડા પણ સત્ય ચકાશો : પ્રમુખ મુકેશભાઇ ઉધરેજા

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.26
મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ એનજીટીના આદેશ પછી તુર્તજ કોલ ગેસિફાયરનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને નેચરલ ગેસથી ટાઈલ્સનું ઉત્પાદન શરૂ કરી દીધું છે જો કે, એનજીટીના આદેશ પછી જીપીસીબીએ થોડા સમય પહેલા 400 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે જે અહીના ઉધોગકારો માટે અન્યાય કરતા છે તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખે જણાવ્યું અને કેમ કે, જીપીસીબીએ દંડ ફટકારતા પહેલા ઉધ્યોગકારોને સાંભળ્યા જ નથી અને જ્યારેથી કારખાનેદારોએ કોલ ગેસી ફાયર માટે મંજુરી માંગી હોય ત્યારથી જ પ્લાન્ટ ચાલુ છે તેમ ગણીને લાકડા જેવા દંડ ઝીકી દીધા છે.
મોરબી પંથકમાં વર્ષ2017માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની ટીમ મોરબી આવી હતી અને તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા ત્યારે સિરામિક યુનિટમાં વપરાતા કોલગેસી ફાયરમાંથી નિકળતા કેમિકલયુક્ત પાણી તેમજ ટાર વેસ્ટનો કારખાનેદારો દ્વારા જાહેરમાં આડેધડ નિકાલ કરવામાં આવે છે જે તે સમયે પ્રદુષણનું પ્રમાણ હતું તેના કરતા પણ છેલ્લા વર્ષોમાં દિનપ્રતિદિન પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું હતું જેથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે તમામ કોલ ગેસી ફાયરને બંધ કરવામાં માટે આદેશ કર્યો હતો જેથી કોેલ ગેસી ફાયરને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને નેચરલ ગેસનો વપરાશ શરૂ કરી દેવાના આવ્યો છે જો કે, દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા કરાયેલા રીપોર્ટના આધારે મોરબીના 600થી વધુ કારખાનાને 400 કરોડથી વધુનો દંડ ઝીકવામાં આવ્યો છે. આ માટેની છેલ્લી મુદત 1પ ફેબ્રુઆરી 2020 છે.
મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જીપીસીબી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 400 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉદ્યોગકારો માટે ખરેખર અન્યાયકર્તા છે કારણ કે લોકશાહી દેશ ભારતમાં કોઈ આરોપીને કોર્ટમાં સજા ફટકારતા પહેલા પણ આરોપીને સાંભળવામાં આવે છે જો કે આ કેસમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાંભળ્યા વગર જ જીપીસીબી દ્વારા એક તરફી દંડ ઝીકી દેવામાં આવ્યો છે જેથી કેટલાય ઉદ્યોગકારો સાથે અન્યાય થયો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં એનજીટી દ્વારા મોરબી આસપાસના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં કોલ ગેસીફાયરને બંધ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો જેની અમલવારી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ કોલ ગેસીફાયર બંધ કરીને હાલમાં ગ્રીન ફ્યુઅલ એટલે કે નેચરલ ગેસમાં ઉપયોગ કરીને પોતાના સીરામીકની અંદર સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરી દીધેલ છે. હવે આવા મોટા દંડ કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક યુનિટમાં બનતી સિરામિક ટાઇલ્સ અને સસ્તી બનાવવા માટે અગાઉ ઘણા ઉદ્યોગકારો દ્વારા કોલ ગેસીફાયર વાપરવામાં આવતા હતા અને આ હરીફાઇના સમયમાં ટકી રહેવા માટે મોટાભાગના ઉદ્યોગકારોએ જીપીસીબીમાંથી કોલ ગેસીફાયર ચલાવવા માટેની મંજુરી માંગી હતી. પોતાના યુનિટમાં કોલ ગેસીફાયર ફીટ પણ કરાવ્યા હતા જો કે, કેટલાક ઉદ્યોગકારોએ પોતાના યુનિટની અંદર લગાવવામાં આવેલા કોલ ગેસીફાયરને એક પણ દિવસ ચલાવ્યા નથી અથવા તો અમુક સમય માટે જ ચલાવ્યા હતા તેમ છતાં પણ ઉદ્યોગકારોએ જયારથી મંજુરી માંગી છે ત્યારથી ગણીને દંડ ફટકારવામાં આવે છે અને ઘણા ઉદ્યોગકારોએ પોતાના કારખાનામાં અમુક સમયે કોલ ગેસીફાયર ચલાવ્યા પછી છેલ્લા ઘણા વર્ષોથી જે કોલ ગેસીફાયર બંધ હતા અને તેની પાસે નેચરલ ગેસન કંપની પાસેથી લીધેલા ગેસના બીલ પણ છે તો પણ તેને ધ્યાનમાં લીધા વગર એનજીટીએ હુકમ કર્યો ત્યાં સુધી કોલ ગેસી ફાયર ચાલુ કન્ડિશનમાં ગણીને જીપીસીબી દ્વારા લાકડા જેવા દંડ કરવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે એનજીટીની કોર્ટમાં પોલ્યુશનને લગતા કેસ ચાલતા હોય છે અને આ કેસમાં ફાઇનલ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવે ત્યારબાદ તેની અમલવારી સીપીસીબી અને જીપીસીબી દ્વારા કરવાની રહેતી હોય છે જોકે છેલ્લા સમયગાળામાં જેટલા પણ ચુકાદા એનજીટી દ્વારા આપવામાં આવ્યા છે તેમાં સીપીસીબી અને જીપીસીબી દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે. કેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે તેની માહિતી માટે ગત 14/11ના રોજ એનજીટીની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને આગામી 31/1 સુધીમાં એનજીટીમાં સીપીસીબી અને જીપીસીબીએ કરેલ કામગીરીની માહિતી પૂરી પાડવાની છે જેથી આગામી ફેબ્રુઆરી સુધીમાં ઉદ્યોગકારો પાસેથી દંડ વસૂલવા માટેની કવાયત જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવે તો નવાઈ નથી અત્રે ઉલ્લેખનીય છે કે જે યુનિટમાંથી પોલ્યુશન થતું હોય તેવા યુનિટને શોધીને તેને દંડ કરવા માટેનો એનજીટી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જો કે જીપીસીબી દ્વારા એકતરફી હુકમ કરીને મોરબીના સિરામિક ઉધોગકારોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તે હક્કિત છે.


Loading...
Advertisement