સેન્સેકસ 41000, નિફટી નવી ટોચે

26 November 2019 11:44 AM
Business
  • સેન્સેકસ 41000, નિફટી નવી ટોચે

શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો દોર જારી: હેવીવેઈટ-રોકડા સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલી

રાજકોટ તા.26
શેરબજાર તેજીના નવા દોરમાં આવ્યુ હોય તેમ સેન્સેકસની સાથોસાથ નિફટીએ પણ આજે રેકોર્ડબ્રેક સપાટી બનાવી હતી. તમામ હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીના પડઘા હેઠળ સેન્સેકસ 41000નુ લેવલ ક્રોસ કરી
ગયો હતો. જયારે નિફટીએ પણ 12103ની અગાઉની સપાટી વટાવી દીધી હતી.
દેશમાં આર્થિક સ્લોડાઉન-મંદીના ઉહાપોહ, અર્થતંત્ર સંબંધી નબળા આંકડા જેવા કારણોને શેરબજાર ડિસ્કાઉન્ટ કરતું રહ્યું હોય તેમ આવતા મહિનાઓમાં અર્થતંત્રની ગાડી પાટે ચડવાના આશાવાદ, સરકાર દ્વારા ઉદારીકરણના વધુ પગલા લેવાવાના સંકેતો, નાણા સંસ્થાઓની એકધારી લેવાલી સહિતના કારણોથી શેરબજારે તેજીની દિશા પકડી લીધી છે અને નવી-નવી ઉંચાઈ સર કરવા લાગ્યુ છે. મોટાભાગના ઉદ્યોગક્ષેત્રોના શેરો આજે ઉઘડતાથી જ નોંધપાત્ર સુધારો સુચવાતા હતા.
શેરબજારમાં આજે રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, યશ બેંક, બજાજ ઓટો, હિન્દ લીવર, એચડીએફસી, હીરો મોટો, એચસીએલ ટેકનો, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ ટાઈટન, ઓએનજીસી, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ વગેરેમાં ઉછાળો હતો. કેટલાક શેરો નબળા હતા છતાં ઈન્હેકસમાં વજન ધરાવતા મોટાભાગના શેરોમાં કરંટ હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 41000ની સપાટી ક્રોસ કરી ગયો હતો. પ્રથમ વખત આ લેવલ પાર કર્યુ હતું. ઉંચામાં 41120 તથા નીચામાં 40991 થઈને કુલ 180 પોઈન્ટના ઉછાળાની 41069 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 12103નો અગાઉનો રેકોર્ડ પાર કરી ગયો હતો. ઉંચામાં 12132 તથા નીચામાં 12099 થઈને કુલ 41 પોઈન્ટના ઉછાળાથી 12115 સાંપડયો હતો.


Loading...
Advertisement