શેરબજારમાં તેજીની છલાંગ: સેન્સેકસમાં નવી ઉંચાઈ

25 November 2019 04:59 PM
Business India
  • શેરબજારમાં તેજીની છલાંગ: સેન્સેકસમાં નવી ઉંચાઈ

નિફટી પણ નવો રેકોર્ડ સર્જવાના માર્ગે: મેટલ, ઓટો, બેંક સહિતના ક્ષેત્રોના શેરો ઉછળ્યા

રાજકોટ તા.25
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર સતત આગળ વધતો રહ્યો હોય તેમ આજે સેન્સેકસ 467 પોઈન્ટ ઉછળ્યો હતો અને નવી રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચ્યો હતો. નિફટી પણ નવી ઉંચાઈના માર્ગે આગળ ધપતો રહ્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. વિશ્ર્વબજારોમાં પ્રોત્સાહક વલણ, વિદેશી સંસ્થાઓની લેવાલી જેવા કારણો હકારાત્મક અસર કરતા રહ્યા હતા. સરકાર આવતા દિવસોમાં ઉદારીકરણના વધુ પગલા લેશે તેવા આશાવાદની પણ સારી અસર હતી. અર્થતંત્રની મંદી વિશે વિરોધાભાસી રીપોર્ટને ડિસ્કાઉન્ટ કરવામાં આવતા રહ્યા હતા. શેરબજારમાં આજે ટેલીકોમ, મેટલ, બેંક, ઓટોમોબાઈલ્સ સહિતના ક્ષેત્રોના શેરો ઉછળ્યા હતા. એચડીએફસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રાટેલ, હિન્દાલ્કો, એચસીએલ ટેકનો, હીરો મોટો, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, વેદાંતા, એક્ષીસ બેંક, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ, ટીપ્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરેમાં ઉછાળો હતો. ઝી એન્ટર, યશ બેંક, ઓએનજીસી જેવા અમુક શેરો નબળા હતા. મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસે વધુ એક છલાંગ લગાવી હતી અને નવા ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. સેન્સેકસ ઉંચામાં 40868 તથા નીચામાં 40393 થઈને 467 પોઈન્ટના કુલ ઉછાળાથી 40827 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 140 પોઈન્ટના ઉછાળાથી 12054 હતો જે ઉંચામાં 12067 તથા નીચામાં 11919 હતો.
સેન્સેકસ તો નવી ઉંચાઈએ પહોંચી જ ગયો છે જયારે નિફટીનું ઐતિહાસિક લેવલ 12103 છે. તેજીનો દોર ચાલુ રહેવાના સંજોગોમાં એકાદ દિવસમાં જ નવી ઉંચાઈ સર કરી શકે છે.


Loading...
Advertisement