રાજકોટ તા 20
અમદાવાદમાં ઝોમેટો અને સ્વીગી જેવી ફૂડ ઓનલાઈન ડીલીવરી કરતી કંપનીમાં કામ કરતા ડિલિવરીમેન ફૂડ સ્પલાય કરવાની આડમાં દારૂની ડિલિવરી કરતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજકોટમા પણ દારૂની હોમ ડીલીવરી કરાતી હોવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
શહેરના રૈયા રોડ પર આવેલા બાપાસીતારામ ચોક પાસે પોલીસે ઝોમેટોના એક ડિલિવરીમેનને અટકાવી તલાશી લેતા તેના ફૂડના થેલામાં છુપાવેલી દારૂની છ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ આર.એસ.ઠાકરની રાહબરીમાં પી.એસ.આઈ એમ.વી.રબારી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાંગર અને નિર્મળસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રૈયા રોડ પર આવેલા બાપાસીતારામ ચોક નજીક અક્ષર સ્કૂલ નજીક ઝોમોટોના ડીલીવરીમેનના બાઇકને અટકાવી તેના થેલાની તપાસ કરતા ઝોમેટોના થેલામાં છુપાવેલી દારૂની છ બોટલ મળી આવી હતી.
ઝોમોટોના થેલામા દારૂની બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ, બાઇક સહિત કુલ રૂ. 22,100 નો મુદામાલ કબ્જે કરી ડીલીવરી મેન મિલન લખમણભાઈ ગરેજા (ઉ.વ 28)(રહે. કિડવાયનગર શેરી ન. 10 કડીયા પ્લોટ, રાજકોટ,મૂળ પોરબંદર) ને ઝડપી લીધો હતો.આ શખ્સ અગાઉ સાત વર્ષ પૂર્વે પોરબંદરમાં દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું માલુમ પડ્યું છે. આરોપી કેટલા સમયથી ફૂડની આડમાં દારૂની ડીલીવરી કરતો હતો.સહિતની બાબતો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.