રાજ્યભરમાં આજથી આ 16 RTO ચેકપોસ્ટ થશે બંધ: જાણો વિગતો....

20 November 2019 09:12 AM
Ahmedabad Government Gujarat Saurashtra Travel
  • રાજ્યભરમાં આજથી આ 16 RTO ચેકપોસ્ટ થશે બંધ: જાણો વિગતો....

જો કોઈ વાહન ઓવરલોડ જણાશે અથવા નિયમ ભંગ કરતું જણાશે કે પછી ટેક્સની રકમ બાકી હશે તો દંડ કે ટેક્સની રકમ સીધી વાહન માલિકોના ખાતામાંથી જ કપાઈ જશે.

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી અલગ અલગ 16 જેટલી RTO ચેકપોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્યની આ 16 ચેકપોસ્ટ બુધવાર 20મી નવેમ્બરથી બંધ કરાશે. જે બાદથી વાહચાલકોએ ચેકપોસ્ટો પર ઉભા રહેવું નહીં પડે. આનાથી ઇંધણની પણ બચત થશે. ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતિ કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઇન કરવામાં આવશે. એટલે કે આ રકમ સીધી જ માલિકના ખાતામાંથી કપાઈ જશે.

ચેકપોસ્ટો પર ગેરરીતિ થવાનું ધ્યાને આવતા નિર્ણય
રાજ્યની અલગ અલગ 16 આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે, વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની કરવાની વ્યવસ્થા ગોઠવી છે. ચેકપોસ્ટો પર તહેનાત સ્ટાફ અને તેના મળતિયાઓ મોટાપાયે ગેરરીતિ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે. આ દરમિયાન ઇંધણનો પણ વ્યય થતો હતો. રાજ્યની તમામ 16 ચેકપોસ્ટો 24 કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફને તહેનાત કરવો પડતો હતો.

દંડની રકમ કેવી રીતે વસૂલ કરાશે?
મળતી માહિતી પ્રમાણે ચેકપોસ્ટ નાબૂદ કર્યા બાદ જો કોઈ વાહન ઓવરલોડ જણાશે અથવા નિયમ ભંગ કરતું જણાશે કે પછી ટેક્સની રકમ બાકી હશે તો દંડ કે ટેક્સની રકમ સીધી વાહન માલિકોના ખાતામાંથી જ કપાઈ જશે. દંડ નહીં ભરવાના કેસોને પકડવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે, જે રસ્તા પર ચેકિંગ કરશે. જો કોઈ વાહન ચાલકે ઓનલાઇન દંડ નહીં ભર્યો હોય તો તેની પાસેથી પેનલ્ટી સાથે રકમ વસૂલ કરવામાં આવશે.

ચેકપોસ્ટોના કર્મચારીઓનું શું થશે?
હાલ ચેકપોસ્ટો પર જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમાંથી પ્રામાણિક કર્મચારીઓને ફ્લાઇંડ સ્ક્વોડમાં મૂકવામાં આવશે. જ્યારે અન્ય કર્મચારીઓને બીજી કચેરીઓમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

કઈ કઈ જગ્યાએ આરટીઓ ચેકપોસ્ટ આવી છે?
રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયારી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ, વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.


Loading...
Advertisement