રાજકોટ તા.19
ચાલુ વર્ષના પ્રારંભે હવામાન હાલક ડોલક સાથે કમોસમી વરસાદથી શિયાળાની ઋતુ પાછી ઠેલાયા બાદ ચાલુ સપ્તાહના પ્રારંભ જ શિયાળાની ઋતુ બેસી જતા રાત્રીના ઠંડી સાથે સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. વહેલી સવારે પારો 18 ડિગ્રીએ પહોંચતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.
રાજકોટમાં આજે વહેલી સવારે ન્યુનતમ તાપમાન 18.6 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ સરેરાશ 6 કિ.મી. નોંધાઇ હતી. બપોરે મહતમ તાપમાન 31.4 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 34 ટકા અને પવનની ગતિ સરેરાશ 15 કિ.મી. નોંધાઇ હતી.
વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બહાર નીકળતા લોકો ટોપી, મફલર, મોજા, પરીધાન કર્યા હતા. મોર્નીંગ વોકમાં નીકળતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં આહલાદક ખુશનુમા વાતાવરણ માણ્યું હતું.
રાત્રીના ઠંડી સાથે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શિયાળાની ઋતુના આગમન સાથે હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો થવાની સંભાવના છે. ઠંડી ઋતુ શરૂ થતા જ ગરમ વસ્ત્રોની ખરીદીમાં હવે ચમક જોવા મળશે. રાત્રી મુસાફરીમાં નીકળતા મુસાફરો સાથે ગરમ વસ્ત્રો સાથે લઇ જવાનું ચુકતા નથી. મધરાત બાદ વહેલી સવાર સુધી ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.