હેલ્લારો ગુજરાતી ફિલ્મના કલાકારોએ જસદણનાં રાજવી પરિવારની મહેમાનગતિ માણી

19 November 2019 06:40 PM
Jasdan
  • હેલ્લારો ગુજરાતી ફિલ્મના કલાકારોએ જસદણનાં રાજવી પરિવારની મહેમાનગતિ માણી
  • હેલ્લારો ગુજરાતી ફિલ્મના કલાકારોએ જસદણનાં રાજવી પરિવારની મહેમાનગતિ માણી

ડાયરેકટર-પ્રોડયુસર સહિત તમામ કલાકારોને આવકાર મળ્યો

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.19
તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો ના કલાકારો - ડાયરેક્ટરો ની ટીમ જસદણ રાજવી પરિવારના આમંત્રણને માન આપીને જસદણ આવી હતી.
જસદણ રાજવી પરિવારના રાણી સાહેબા અલૌકિકારાજે ખાચરે હેલ્લારો પિક્ચરનું ટ્રેલર જોઈને આપણી સંસ્કૃતિ જાળવી રાખવા અંગેનું પિક્ચર હોવાથી હેલ્લારો પિક્ચરના ડાયરેક્ટર - પ્રોડ્યુસર કલાકારોની ટીમને ફોન કરીને અભિનંદન આપીને જસદણ દરબાર ગઢમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના ભાગરૂપે આ પિક્ચરની ટીમ જસદણ દરબારગઢ ખાતે આવી પહોંચી હતી. સીટી પ્રાઇડ મલ્ટિપ્લેક્સ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પિક્ચર ના ડાયરેક્ટર તેમજ લેખક અભિષેક શાહ અને પિક્ચરમાં રાધાનું પાત્ર ભજવતી ડેનિશા ઘુમરા, ગોમતીનું પાત્ર ભજવતી તેજલ પંચાસરા, પ્રતીક ગુપ્તા, મિત જાની સહિતના લોકોનું જસદણના રાણી સાહેબા અલૌકિકારાજે ખાચર પ્રેરિત શ્રી સૂર્યશક્તિ ભગીની મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જસદણ રાજવી પરિવારના સત્યજીતકુમાર ખાચર, રાજ બાલવાડીના રમાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ થિયેટર ખાતે આ કલાકારોએ હેલ્લારો ફિલ્મ પણ નિહાળી હતી.
ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવતી ડેનિશા ઘુમરાએ જણાવ્યું હતું કે લોકો ગુજરાતી ફિલ્મ થી દુર થતા જાય છે ત્યારે પાંચ વર્ષના બાળક થી લઈ ને દાદા સુધીના દરેક સાથે બેસીને જોઈ શકે તેવી ફિલ્મ બનાવવાની અમારી ઈચ્છા હતી. ઇતિહાસમાં પહેલી વખત શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ને મળ્યો છે. આપના ગરબા, આપણી સંસ્કૃતિ વગેરે આ ફિલ્મ માં દર્શાવવામાં આવ્યા છે.


Loading...
Advertisement