જુનાગઢ સાબલપુર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રૂા.21.89 લાખના પાર્સલોની ચોરી

19 November 2019 01:16 PM
Junagadh
  • જુનાગઢ સાબલપુર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રૂા.21.89 લાખના પાર્સલોની ચોરી

ગોડાઉનના તાળા તોડી તસ્કરી કરનારાઓનું પગેરૂ દબાવવા ડોગ સ્કવોર્ડ, સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ

જુનાગઢ તા.19
જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નજીક સાબલપુર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટના ત્રણ ગોડાઉનના તાળા તોડી તસ્કરો રૂા.21.89 લાખના પાર્સલ ઉઠાવી ગયા હતા. જેની સીસીટીવી, ડોગ સ્કવોર્ડ, એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબલપુર ચોકડી નજીક રફીકભાઈનું ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલ હોય આગલી રાત્રીના અઢી વાગ્યાની આજુબાજુ ચોર ટોળકીએ ગોડાઉનનું તાળુ તોડી રૂા.11.78 લાખના પાર્સલની ચોરી કરી હતી બાદ નજીક આવેલા રજનીકાંતભાઈના ગોડાઉનના તાળા તોડી રૂા.7.24 લાખના પાર્સલ લઈ ગયા હતા. ઉપરાંત મનોજભાઈ ઠકરારના ગોડાઉનમાંથી 30 હજારથી વધુ કિંમતના પાર્સલ ઉઠાવી ગયા હતા. જેની જાણ ગઈકાલે ગોડાઉન માલીક રફીકભાઈ સહિત અન્ય બેને થતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ, એફએસએલ, અને ડોગ સ્કવોર્ડની મદદ લઈ તપાસ હાથ ધરી છે. વારંવાર આ વિસ્તારમાં થતી ચોરીના બનાવોથી લોકો અને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. પોલીસના નાઈટ પેટ્રોલીંગ અંગે સવાલો ઉઠી રહ્યા છે.


Loading...
Advertisement