ગોંડલમાં ધો.10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી

19 November 2019 12:36 PM
Gondal
  • ગોંડલમાં ધો.10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી

ગળેફાંસો ખાઇ અંતિમ પગલુ ભરી લીધુ : પોલીસ તપાસ

ગોંડલ તા.19
ગોંડલમાં નાની બજાર નાગર શેરીમાં રહેતા અને ધોરણ 10 માં અભ્યાસ કરતા કિશોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, કિશોરે ભણતરના ભારથી કે કોઈ અન્ય કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા જય વિશાલભાઈ પઢીયાર ઉંમર વર્ષ 14 કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જય બે ભાઈ અને એક બહેનના પરિવારમાં નાનો હતો, તેના પિતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થઈ ગયેલું છે, માતા આંગણવાડીમાં કામ કરી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે, જય સવારે નિત્યક્રમ મુજબ શાળાએ ગયો હતો અને રિસેસ બાદ ઘરે આવી ને સ્કુલ બેગ મુકી તુરત જ ગળાફાંસો ખાઇ લીધો હતો.
સંગ્રામસિંહજી હાઇસ્કુલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એચ આઈ પંડયાએ જણાવ્યું હતું કે શિક્ષિકા મીનાબેન રામાણીના ગુજરાતીના પિરિયડમાં જય બેંચ પર માથું રાખી સુઈ ગયો હતો ત્યારે તેને ઉઠાડવામાં આવ્યો હતો બાદમાં આખો પિરિયડ ધ્યાનથી પણ બેઠો હતો જ્યારે રીશેષ બાદ કરી શાળાએ આવ્યો ન હતો જ્યારે ઘટના અંગે માહિતી શાળાને મળતા સંકુલમાં શોક ફેલાયો હતો.
માત્ર 14 વર્ષની વયના કિશોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા શહેરભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, ખેલ કુદની બાલ્યાવસ્થામાં માસૂમ કિશોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા નોં માર્ગ અપનાવતા આ કિસ્સો વાલીઓ માટે લાલ બત્તી સમો બનવા પામ્યો છે.


Loading...
Advertisement