વરસાદી ધોવાણ! મીઠા ઉદ્યોગને મોટો ફટકો

19 November 2019 12:10 PM
Business Gujarat
  • વરસાદી ધોવાણ! મીઠા ઉદ્યોગને મોટો ફટકો

સિઝન ત્રણ મહિના મોડી; ઉત્પાદનમાં 30થી35 ટકા કાપ આવવાનું જોખમ: ઘરઆંગણે અછત નહીં થાય પણ નિકાસને અસર થવાની આશંકા

અમદાવાદ તા.19
લાંબુ ચોમાસુ, કમોસમી વરસાદ તથા ઉપરાઉપરી ચોમાસાઓને કારણે ગુજરાતમાં મીઠાના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે. મીઠાની સીઝન ત્રણ મહિના મોડી થવાની આશંકા છે.
ભારતમાં નમકનું સૌથી મોટુ ઉત્પાદન કરતા ગુજરાતમાં ઉત્પાદનમાં 30થી 35 ટકાનું ગાબડુ પડવાનો અંદાજ છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ વરસ્યો હોવાના કારણોસર મીઠુ વકરવાની સીઝન ત્રણથી સાડા ત્રણ મહિના મોડી થઈ છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશને એવો અંદાજ બાંધ્યો છે કે ગુજરાતમાં નમકનું ઉત્પાદન ચાલુ વર્ષે 150થી 160 લાખ ટકા થશે. જે ગત વર્ષે 233 લાખ ટન હતું. ભારતનું કુલ ઉત્પાદન 289 લાખ ટન હતું તેમાંથી એકલા ગુજરાતને હિસ્સો 81 ટકા હતો. રાજયમાં સપ્ટેમ્બરથી જુન એમ સરેરાશ 10 મહિના મીઠાનું ઉત્પાદન થતુ હોય છે. ચાલુ સાલ સિઝન સાડા ત્રણ મહિના મોડી થઈ છે. ઉત્પાદનની તૈયારીમાં હજુ દોઢ મહિનો થશે એટલે નમક ઉત્પાદન માત્ર પાંચ મહિના જ શકય બનશે. ડિસેમ્બર સુધી નવુ નમક આવવાની શકયતા છે. કચ્છ, જામનગર, ભાવનગર, અમરેલી, દક્ષિણ ગુજરાત, મોરબી-માળીયા સહિતના ઉત્પાદન સેન્ટરોમાં નમક ઉત્પાદનને ફટકો છે. મીઠા ઉત્પાદકો ઉત્પાદન માટે કચ્છના નાના રણમાં પહોંચી જતા હોય છે. પરંતુ હજુ પાણી ભરાયા હોવાના કારણોસર પાછુ આવવું પડયું હતું. કચ્છના નાના રણમાં તો મીઠા ઉત્પાદન જાન્યુઆરીમાં જ શકય બને તેમ છે.
મરીન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ કહ્યું કે કચ્છમાં ચાર દિવસ પુર્વે પણ વરસાદ પડયો હતો. માળીયા પંથકમાં હજુ ઉત્પાદન શરૂ થયુ નથી. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી આરંભાવાની શકયતા છે. નવુ મીઠુ જાન્યુઆરીના અંતે આવી શકશે. ઉત્પાદનમાં 30 ટકાનું ગાબડુ પડવાનો અંદાજ છે.
માળીયા પંથકમાં 78 જેટલા નાના લીઝધારકો છે. 10 એકર કે વધુની લીઝ ધરાવનારાની સંખ્યા 450ની 500 છે. દરિયાઈ ભાગોમાં વરસાદને કારણે પાણી છે. આવતા ચોમાસામાં પણ વરસાદ વ્હેલો આવી જશે તો ઉત્પાદનને વધુ ફટકો પડશે. ભારતમાં મીઠાનો વપરાશ 90 લાખ ટન છે. એટલે સપ્લાય ખેંચની કોઈ ભીતિ નથી. પરંતુ નિકાસને અસર થઈ શકે છે.

ગુજરાતનો મીઠા ઉદ્યોગ
ઉત્પાદન
233 લાખ ટન
મીઠાના અગરીયા
50000
લીઝધારકો
10000
10 એકરના લીઝધારકો
9010


Loading...
Advertisement