આવતા મહિનાથી મોબાઈલ પર વાતો કરવી મોંઘી બનશે

19 November 2019 11:56 AM
Business India
  • આવતા મહિનાથી મોબાઈલ પર વાતો કરવી મોંઘી બનશે

વોડાફોન-આઈડીયા અને ભારતી એરટેલ દ્વારા ટેરિફ વધારાની જાહેરાત : ખોટ ખાતી બન્ને કંપનીઓની પહેલથી પ્રાઈસ વોરનો અંત

નવી દિલ્હી તા.19
1 ડિસેમ્બરથી મોબાઈલ પર વાત કરવા માટે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા બન્ને ટેલીકોમ કંપનીઓએ આવતા મહિનાથી મોબાઈલ ટેરિફ વધારવા જાહેરાત કરી છે. ટેરિફ વધારવાની પહેલ વોડાફોન આઈડિયાએ કરી હતી, અને થોડી જ વારમાં ભારતી એરટેલએ તેનું અનુસરણ કર્યું હતું.

વોડાફોન આઈડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલીકોમ સેવા પુરી પાડતી કંપનીઓ અત્યારે ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. તેમની સામે અનેક પડકારો ઉભા થયા છે. મોબાઈલ ગ્રાહકોને વર્લ્ડ કલાસ મોબાઈલ સેવા મળતી રહે તે માટે વોડાફોન આઈડિયાએ 1 ડિસેમ્બરથી ટેરીફ વધારવા નિર્ણય લીધો છે. નિવેદનમાં જણાવ્યું છે કે કેબીનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી કમીટી ઓફ સેક્રેટરીઝએ પણ ટેલીકોમ ઓપરેટરોના નાણાકીય સંકટનો સ્વીકાર કર્યો છે અને સરકાર ટેલીકોમ ઓપરેટરોને રાહત આપવા વિચાર કરી રહી છે.

ભારતી એરટેલએ પણ ડિસેમ્બરથી મોબાઈલ ચાર્જીસ વધારવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈ જલ્દી મોબાઈલ ટેરીફને તર્કસંગત બનાવવા માટે ક્ધસલ્ટેશન શરુ કરશે. ટેલીકોમ સેકટરમાં વધુ મુડીની જરૂરિયાત છે. આ સેકટરમાં ટેકનોલોજી સતત બદલાતી રહે છે. એક બાજુ કંપની માટે ટકી રહેવાની જરૂર છે, બીજી બાજુ ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવું પણ એના માટે હંમેશ જરૂરી છે.

દરમિયાન, વોડાફોન, આઈડિયા અને ભારતીય એરટેલ બન્ને ટેલીકોમ ઓપરેટરોએ એ જાહેર કર્યુ નથી કે ડિસેમ્બરથી તે ટેરિફમાં કેટલો વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે બન્ને કંપનીઓએ ગત સપ્તાહે ચાલુ નાણાકીય વર્ષનાબીજા કવાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. વોડાફોન-આઈડિયાએ 53000 કરોડ રૂપિયાની અને ભારતી એરટેલએ 21000 કરોડની ખોટ બતાવી હતી.

ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈસ વોર ઉપરાંત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુમાંનોન-કોર આઈટેમ્સનો સમાવેશ થતો હોવાના સરકારના અર્થઘટનને સુપ્રીમ કોર્ટે માન્ય કરતાં બન્ને ટેલીકોમ કંપનીઓએ સરકારને રૂા.80000 કરોડ ચૂકવવાના થતા હોવાથી તે નાણાકીય સંકટમાં મુકાઈ છે.


Loading...
Advertisement