કોડીનાર-ઉના હાઇ-વે માટે કિસાનોના ખેતર-મકાન પર બુલડોઝર ફરતા રોષ

19 November 2019 11:34 AM
Veraval
  • કોડીનાર-ઉના હાઇ-વે માટે કિસાનોના ખેતર-મકાન પર બુલડોઝર ફરતા રોષ
  • કોડીનાર-ઉના હાઇ-વે માટે કિસાનોના ખેતર-મકાન પર બુલડોઝર ફરતા રોષ

નેશનલ હાઇ-વે ઓથોરીટી-કોન્ટ્રાકટરની દાદાગીરીથી તાલુકામાં પ્રચંડ રોષ : કિસાનોના ઉભા પાક પર બુલડોઝર ફેરવી જમીન કબ્જે કરી

કોડીનાર, તા. 19
કોડીનાર-ઉના હાઇવે રોડ સાઇડ ઉપર આવેલા ધરતીપુત્રોના પડતર પ્રશ્ર્નોને ઘ્યાને લેવાને બદલે નેશનલ હાઇવે ઓથોરીટીના અને તેના મળતીયા કોન્ટ્રાકટરો દ્વારા સરકારી તંત્રનો ઉપયોગ કરી કેટલાક ખેડુતોના ઉભા પાકો ઉપર તો કેટલાક ખેડૂતોના મકાનોના ઢાળીયા તેમજ ખેતરમાં ઉભેલા વૃક્ષો ઉપર આતંકવાદીની જેમ ત્રાટકીને જેસીબી-હીટાચી સહિતના અઢળક સાધનો વડે ભારે નુકસાન પહોંચાડતા અરેરાટી સાથે ભયનો માહોલ ઉભો થયો હતો.
નેશનલ હાઇવે ઓથોરીટી તથા તેના કોન્ટ્રાકટરો દ્વારા સવારથી જ ડીમોલીશન કામગીરી હાથ ધરી હતી અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા મહેસુલ તથા પોલીસ તંત્રની મદદ લીધી હતી તેઓએ લોકોની વાત સાંભળવાને બદલે નેશનલ હાઇવે અને કોન્ટ્રાકટરોને જ મદદ કરી હોવાના લોકો દ્વારા ખુલ્લા આક્ષેપો થયા હતા.
કોડીનાર-ઉના નેશનલ હાઇવે રોડ ઉપર ખેડુતોની જમીન સંપાદન કામગીરી કરવામાં આવી હતી જેમાં કેટલાક ખેડુતોને વળતર મળ્યું નથી તો કેટલાક ખેડુતોનું રી-સર્વે અને વધારાના વળતરની માંગણીઓ પેન્ડીંગ પડી છે. એકબાજુ કુદરતની થપાટમાંથી ખેડુતોને કળ નથી વળી ખેડુતો પોતાના ખેતરમાં પડેલો માલ અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી બચાવવા ફાફા મારે છે ત્યારે ગઇકાલે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માનવ સર્જીત વાવાઝોડુ લાવીને ખેડુતોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. નેશનલ હાઇવે ઓથોરીટીએ નિયમ મુજબના કામ કરવાના છે એ કરતા નથી સોમનાથથી ભાવનગર સુધી ચાલતા આ હાઇવેના કામમાં સંખ્યાબંધ ડાયવર્ઝન આવે છે. નિયમ મુજબ હાઇવે ઉપર ડાયવર્ઝન પહેલા પ00 મીટર તથા ર00 મીટર દુર ડાયવર્ઝનની નિશાની મુકવી પડે છે તેમજ ડાયવર્ઝનનો રસ્તો ડામર રોડથી પાકો કરવાનો હોય છે. આવું આખાય રોડમાં એકપણ જગ્યાએ કર્યુ નથી પરિણામે પુરપાટ દોડતાવ વાહનો અચાનક આવતા ડાયવર્ઝનથી અકસ્માત નોતરી બેઠે છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો ડાયવર્ઝનમાં થયા છે અને તેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ ઉપરાંત સ્ટેટ હાઇવે પાસેથી જે સ્થિતિમાં નેશનલ હાઇવે ઓથો એ રોડ સંભાળ્યો હતો તેવી સ્થિતિ જાળવી રાખવામાં ઓથોરીટી સદંતર નિષ્ફળ ગઇ છે પરિણામે કોડીનાર-વેરાવળ હાઇવે રોડનું 4પ કિ.મી.નું અંતર કાપતા બેથી અઢી કલાક જેટલો સમય લાગે છે. આ રોડનું કામ સંભાળતી એજન્સી તો કામ કરી શકે તેમ નથી. છતાં નેશનલ હાઇવે ઓથો. તે કોન્ટ્રાકટરની આળ- પંપાળ કરે છે.
સોમનાથ-ભાવનગરનો ફોરલેન બનાવવા તેઓને આપેલી સમય મર્યાદા પણ પુરી થવામાં છે. ત્યારે હજુ રપ ટકા પણ કામગીરી પુરી થઇ નથી ત્યારે કુંભારની ખીજ ગધેડા ઉપર ઉતરે તેમ કોન્ટ્રાકટરો અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ખેડુતોના યોગ્ય વળતરના પ્રશ્ર્નો નિકાલ કરવાને બદલે તંત્રનો ખોફ બતાવીને ચાલુ કરેલી કાર્યવાહીથી લોકોમાં ફીટકારની લાગણી ફેલાઇ છે.
ત્યારે કોડીનાર ઉના હાઇવે રોડ ઉપર સર્વે નં. પ18, પ37 સહિતના ખેડુત ખાતેદારો માનસિંહભાઇ કાનાભાઇ મોરી, અરજનભાઇ રાજશીભાઇ વાઢેળ તથા રામભાઇ દેવાભાઇ વાળા સહિતના ખેડુતોએ ગુજરાતના રાજ્યપાલને સંબોધી એક ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીને આપીને નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકાર અરવિંદજી તેમજ સદભાવના ઇન્ફ્રા. પ્રા.લી.ના મીથીલેશ, અશોકભાઇ, ગોપાલભાઇ, પંડિત તથા કોહલી નામના શખ્સોએ તેઓના ખેતરમાં પ્રવેશ કરી ઉભા પાક તેમજ ખેતીના ઓજારો અને મકાનોને મોટુ નુકસાન કર્યા અંગે ફરીયાદ કરી છે.
આ ઘટનામાં વાપરવામાં આવેલા હેવી અર્થ મુવીના સાધનો કે જેમાં મોટાભાગના સાધનોમાં રજીસ્ટ્રેશન નંબર કે સાધનિક કાગળો પણ નહતા જે અંગે પણ સ્થળ ઉપર હાજર પોલીસ અધિકારીનું ઘ્યાન દોરવા છતાં તેઓની સામે પગલા લેવાને બદલે તંત્ર ખેડુતો ઉપર ભય ફેલાવવાનું ચાલુ રાખ્યાના પણ આ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે આ તમામ ખેડુતોની જમીન સંપાદનની કાર્યવાહીમાં વળતરની તેમજ રીસર્વે બાબતે કરેલી રજુઆત હજુ પેન્ડીંગ પડી છે ત્યારે અચાનક કોઇ નોટીસ કે જાણ કર્યા વગર માનવ સર્જીત વાવાઝોડાએ ખેડુતોને પડયા ઉપર પાટુ મારતા છેવટે તંત્રને ફરીયાદ કરી છે ત્યારે તંત્ર ખેડુતોની આ ફરીયાદ બાબતે પુરતુ ઘ્યાન અને ન્યાય અપાવે તેવી રજુઆતો થઇ છે.
ટ્રાફિક સપ્તાહની ઉજવણી
કોડીનાર પોલીસ દ્વારા આજે વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ડે નિમિતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્ર્વભરમાં થતા અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલી આપવા અને લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે ફેડરેશન ઓફ રોડ ટ્રાફિક વિકટમ્સ (એફઆઇવીઆર) નામની સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ડેની નવેમ્બર માસના ત્રીજા રવિવારે કરવામાં આવતી ઉજવણીના નિમિત્તે કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કોડીનારના નવનિયુકત પી.આઇ. જી.કે.ભરવાડ, પી.એસ.આઇ. માળી એ ટ્રાફિકના નિયમોના પાલન સાથે વાહન ચલાવનારાઓને ફુલ આપી સન્માન કરી આવી જ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. તેમજ હેલ્મેટ વિનાના ટુ વ્હીલર ચાલકો સામે પણ પોલીસે ગાંધીગીરી કરી તેમને ટ્રાફિકના નિયમો અને રોડ અકસ્માતો અંગે જાણકારી આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સલાહ આપી હતી. આ તકે કોડીનારના પી.આઇ. જી.કે.ભરવાડ, પી.એસ.આઇ. માળી, રાઇટર જેસીંગભાઇ, ટ્રાફિકના નજીરભાઇ, જશપાલભાઇ સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement