ટેકાની મગફળી ખરીદીની મુદત વધારવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે : કૃષિમંત્રી

18 November 2019 05:02 PM
Rajkot Gujarat
  • ટેકાની મગફળી ખરીદીની મુદત વધારવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે : કૃષિમંત્રી

18 દિવસના ગેપ બાદ આજથી ફરી શરૂ થયેલી ખરીદીમાં કિસાનોએ લાઇનો લગાવી

ગાંધીનગર તા.18
સમગ્ર ગુજરાતમાં વરસાદ તારી આવકના કારણે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક મગફળીનો પાક ઉત્પન્ન થયો છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અગાઉ સ્થગિત કરવામાં આવેલી ટેકાના ભાવની મગફળી ની ખરીદી ફરીથી આજથી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે માવઠાના કારણે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે સ્થગિત કરી દીધી હતી જેના કારણે આ મગફળી ખરીદીની પ્રક્રિયા ના દિવસો અને તેની મુદ્દત માં વધારો કરવા માટે કૃષિમંત્રી આર.સી.ફળદુ ના નિવાસ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં મગફળી ખરીદી માં કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તેમજ નાફેડ ના માપદંડો મુજબ જ ખરીદ પ્રક્રિયા થાય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ગત 1 નવેમ્બરથી એટલેકે લાભપંચમ થી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં અનાધાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી ને નુકશાન થયું હતું અને તેના ભેજ આવી ગયો હતો જેના કારણે મગફળી ખરીદી કરવી શક્ય ન હતી પરિણામે રાજ્ય સરકાર દ્વારા 2 નવેમ્બરથી મગફળી ખરીદી કરવાની પ્રક્રિયા ઉપર બ્રેક મારી દીધી હતી. અને જ્યાં સુધી ખુલ્લું વાતાવરણ બને નહીં ત્યાં સુધી આ ખરીદી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો જોકે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના રજિસ્ટ્રેશનમાં અત્યાર સુધીમાં 4,71,460 ખેડૂતો નું રજીસ્ટ્રેશન થયું છે. જ્યારે રાજ્યના 124 ખરીદ સેન્ટરો પરથી મગફળી ખરીદ કરવામાં આવશે. જોકે આ મગફળી ખરીદ પ્રક્રિયા 90 દિવસ ચાલવાની હતી પરંતુ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે 2 નવેમ્બરથી ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી એટલે કે 18 દિવસ ની ગેપ ખરીદ પ્રક્રિયા માં આવે છે જેને પહોંચી વળવા અને તમામ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની મગફળી ખરીદી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ભારત સરકાર સમક્ષ 90 દિવસથી વધારાના દિવસો વધારવાની રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે જો કે વર્તમાન સ્થિતિએ આજથી શરૂ કરવામાં આવેલી મગફળી ખરીદીની પ્રક્રિયા માં સવારે 11 વાગ્યા સુધી રાજ્યના 439 ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી હતી.

મગફળીની ખરીદીમાં નાફેડ દ્વારા માપદંડો
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મોટી મગફળીના દાણાનું વજન 65% હોવું જોઈએ.
- સેમ્પલમાંથી લેવામાં આવેલી નાની મગફળીમાં દાણાનું વજન 70% હોવું જોઈએ.
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં કચરાનું પ્રમાણ માત્ર 2% જ હોવું જોઈએ.
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ભેજનું પ્રમાણ 8%થી ઓછું હોવું જોઈએ.
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ડેમેજ થયેલ મગફળીનું પ્રમાણ 2%થી ઓછું હોવું જોઈએ.
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં અલગ અલગ જાતની મગફળી એટલે કે નાની-મોટી મગફળીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ.
(આ નિયમ બનાવવા પાછળનું કારણ કોઇપણ ખેડૂત ભેળસેળવાળી મગફળી ન વેચે તેવું છે.)
- સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ગોગડીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ.


Loading...
Advertisement