અભય દેઓલ બનશે પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ

18 November 2019 01:07 PM
Entertainment
  • અભય દેઓલ બનશે પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ

1962ના ભારત-ચીનના યુઘ્ધની પૃષ્ઠભૂ પર આધારિત વેબ-સિરીઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટ સ્ટાર પર

શાહરૂખ ખાનની ઝીરો અને ત્યાર પછી ડિજીટલ પ્લેટફોર્મ નેટફિકસની ચોપસ્ટિકમાં મિથિલા પાલકર સાથે દેખાયેલો અભય દેઓલ ફરી ડિજીટલ-વર્લ્ડમાં વેબસિરીઝ કરી રહ્યો છે. જાણીતા ડિજીટલ પ્લેટફોર્મ હોટસ્ટાર માટે જાણીતા એકટર તથા સંજય દત્ત અભિનીત વાસ્તવ ફેમ ડિરેકટર મહેશ માંજરેકર એક વેબસિરીઝ બનાવવા જઇ રહ્યા છે. જેની વાર્તા 1962 વખતના ભારત-ચીનના યુઘ્ધના બેકડ્રોપમાં આકાર લે છે. વેબસિરીઝમાં યુઘ્ધમાં ભારતીય આર્મીની બહાદુરી અને ખાસ તો જેમના નેતૃત્વ હેઠળ એ મિશન પાર પડયું હતું એ મેજર શૈતાનસિંહનું પરાક્રમ અને શૌર્ય દર્શાવવામાં આવશે. 1924માં જન્મેલા મેજર શૈતાનસિંહ 1962ની 18 નવેમ્બરે ચીન સામે લડતાં-લડતાં શહિદ થયા હતા અને તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. અભય દેઓલ અને તેમના ફેન માટે સારા સમાચાર એ છે કે ક હેવાઇ રહ્યું છે કે મેજર શૈતાનસિંહનું પાત્ર અભય દેઓલ ભજવવાનો છે. બીજુ એ કે યુઘ્ધની પૃષ્ઠભૂમાં બની રહેલી હોવાથી આ વેબ સિરીઝ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ હોટસ્ટારની સૌથી મોંઘી વેબ સિરીઝ હશે.
અભય દેઓલ આ ઉપરાંત ડિરેકટ સાગર બેલારીની રગ્બી-કોચ રૂદ્રાક્ષ જેનાની બાયોપિક-ફિલ્મ જંગલ ક્રાય પણ કરી રહ્યો છે. રૂદ્રાક્ષ જેનાએ ઓડિશાનાં આદિવાસી બાળકોને તૈયાર કરીને 2007માં બ્રિટનમાં યોજાયેલા જુનિયર રગ્બી વર્લ્ડ કપમાં પહોંચાડયા હતા અને જિતાડયાં હતાં. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બેઉ ભાષામાં બની છે.
આ બંને પ્રોજેકટ હેમખેમ પૂરા થયા તો અભય દેઓલના ખાતામાં એક સાથે બે બાયોપિક ફિલ્મ બોલાશે એ નક્કી અને તેના ચાહકોને તેના ઘણા સમય બાદ મુખ્ય દમદાર પાત્રમાં જોવા મળશે.


Loading...
Advertisement