સંસદનું શિયાળુ સત્ર શરૂ: અર્થતંત્ર-કાશ્મીર-બેકારી મુદ્દે ઘમાસાણ

18 November 2019 09:25 AM
India Business
  • સંસદનું શિયાળુ સત્ર શરૂ: અર્થતંત્ર-કાશ્મીર-બેકારી મુદ્દે ઘમાસાણ

સરકારને ભીડવવા વિપક્ષો પાસે અનેક મુદ્દા: શિવસેના પણ વિપક્ષી હરોળમાં: નાગરિકતા વિધેયક મામલે પણ ગરમી સર્જાવાના એંધાણ

નવી દિલ્હી તા.18
અનેકવિધ મહત્વના ખરડા તથા વિવિધ મુદાઓ પર સરકારને ભીડવવાના વિપક્ષી વ્યુહ વચ્ચે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ભાજપ ગતસત્રની જેમ આ વખતે પણ પ્રભુત્વ જાળવીને મહતમ કાર્યવાહી કરાવવાના પ્રયત્નો કરશે જયારે વિરોધપક્ષ સંયુક્ત રીતે સરકારને ભીંસમાં લેવાના વ્યુહ અજમાવશે.
રાજયસભામાં બહુમતી ન હોવા છતાં ગત સત્રમાં કેન્દ્ર સરકારે તીન તલાક અને એનઆઈએની તાકાત વધારનારા ખરડા પસાર કરાવી લીધા હતા.
વિરોધપક્ષોએ પોતાના ભાજપમાં અનેક મુદા આધારિત તીર રાખ્યા છે. જેનાથી શરૂઆતથી જ સત્રમાં રાજકીય ગરમી આવી જાય તેમ છે. સૌથી મોટા વિપક્ષ એવા કોંગ્રેસે રાજયસભામાં વિપક્ષી એકતા સર્જવાના પ્રયત્નો કર્યા છે.
બજેટ અને શિયાળુ સત્ર દરમ્યાન અનેક એવા રાજકીય ઘટનાક્રમો સર્જાયા છે જેનાથી સંસદમાં શાસક-વિપક્ષની લડાઈ લગભગ નકકી છે. લોકસભામાં પરાસ્ત થયો હોવાથી વિપક્ષ ગત સત્રમાં દબાણ હેઠળ હતો. પરંતુ ત્યારપછી વિધાનસભા ચૂંટણીઓમાં સારા પરફોર્મન્સરૂપે બુસ્ટરડોઝ મળ્યો હોવાના કારણોસર આ વખતે જોરમાં રહે તેમ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં હરિયાણામાં ભાજપને કોંગ્રેસે બરાબરની ટકકર આપી હતી તેવી જ રીતે મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો મળવા છતાં ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.
શિયાળુ સત્રમાં વિપક્ષો દેશની આર્થિક મંદીના મુદાને ગજાવી શકે છે. ઉપરાંત કલમ 370 મુદે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મુદે ચર્ચાની તૈયારી બતાવી હતી. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓને નજરકેદ રાખવાનો મુદો ઉપસ્થિત કર્યો હતો. આર્થિક મંદી, બેકારી જેવા મુદાઓ ઉભા કરવાનું વિપક્ષોએ જાહેર કર્યુ છે.
આ સિવાય લાંબા વખત સુધી એનડીએમાં રહેલી તથા ભાજપની સહયોગી પાર્ટી શિવસેના વિપક્ષી હરોળમાં બેસશે. શિવસેનાની લોકસભામાં 18 તથા રાજયસભામાં બે બેઠક છે. ગત સત્રમાં વિપક્ષી બહુમતીને કારણે ખરડા પસાર કરાવવામાં સરકારને તકલીફ પડી હતી. ભાજપને આ વખતે અયોધ્યાના ચુકાદાથી મનોબળ વધી શકે છે.
આ સિવાય સરકારે નાગરિકતા સુધારા ખરડાને પસાર કરાવવાનો પણ ઈરાદો રાખ્યો છે. જે અંતર્ગત પાડોશી રાષ્ટ્રોમાંથી આવેલા બીનમુસ્લીમોનો નાગરિકતા આપવાની થાય છે. મોદી સરકારની પ્રથમ ટર્મમાં પણ આવો નિષ્ફળ પ્રયાસ થયો હતો. વિરોધપક્ષોએ ધાર્મિક આધાર પર ભેદભાવનો આરોપ મુકયો હતો. વિધેયકમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન તથા અફઘાનીસ્તાનમાં ધર્મના કારણે પીડાતા બીનમુસ્લીમો ભારત આવે તો ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.


Loading...
Advertisement