કાલે બિન સચીવાલય કલાર્કની 4000 જગ્યા માટે સ્પર્ધાત્મક કસોટી: રાજકોટમાં 53 હજાર ઉમેદવારો

16 November 2019 05:39 PM
Ahmedabad Education Government Gujarat Rajkot Saurashtra
  • કાલે બિન સચીવાલય કલાર્કની 4000 જગ્યા માટે સ્પર્ધાત્મક કસોટી: રાજકોટમાં 53 હજાર ઉમેદવારો

પેપરો કરણસિંહજી અને બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં સીલ:177 બિલ્ડીંગો પર બેઠક વ્યવસ્થા: ચાર મામલતદારની ફલાઈંગ સ્કવોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળની બે ટીમ સ્ટેન્ડ-ટૂ: તૈયારીઓને આખરી ઓપ આપતા શિક્ષણાધિકારી

રાજકોટ તા.16
ગુજરાત રાજય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે તા.17ને રવિવારના રોજ બીનસચિવાલય કલાર્કની 4000 જગ્યા માટે રાજકોટ સહિત રાજયના જીલ્લા મથકો પર સ્પર્ધાત્મક કસોટી લેવામાં આવનાર છે. આ સ્પર્ધાત્મક કસોટી શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓને જીલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.

રાજકોટમાં 53386 ઉમેદવારો આ સ્પર્ધાત્મક કસોટીમાં બેસનાર છે. આ માટે 177 બિલ્ડીંગો અને 1780 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કરણસિંહજી હાઈસ્કુલ અને બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કુલના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે.

આ અંગે શિક્ષણાધિકારી ઉપાધ્યાયનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષા સંદર્ભે કરણસિંહજી હાઈસ્કુલમાં કંટ્રોલ રૂમ ધમધમતો કરી દેવામાં આવેલ છે. પરીક્ષા દરમ્યાન ચાર મામલતદારની ફલાઈંગ સ્કવોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળની બે ટીમો સ્ટેન્ડ ટુ રહેશે.

ઉપાધ્યાયે વધુમાં એવું જણાવ્યું હતું કે અગાઉ ત્રણ પરીક્ષા સેન્ટરમાં ફેરફાર કરવામાં આવેલ હતો જેમાં સદગુરૂ મહિલા હોમ સાયન્સ કોલેજનું સેન્ટ્રલ બદલીને જે.કે. ધોળકીયા સ્કુલ યુનીટ સદગુરૂ મહિલા હોમ સાયન્સ કોલેજનું સેન્ટ્રલ બદલીને નવયુગ સ્કુલ તેમજ પાંધી લો કોલેજનું પરીક્ષા સેન્ટર બદલીને આત્મીય યુનિ. રાખવામાં આવેલ છે. જે ત્રણ સેન્ટરો અગાઉ રદ કરાયેલ છે ત્યાં ખાસ વાહન વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓને નવા સેન્ટર પર પહોંચવામાં મુશ્કેલી નહીં પડે. આમ આ પરીક્ષાની તમામ તૈયારીઓ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે.


Loading...
Advertisement