ફાયરસેફટીના ચેકીંગમાં દોઢ-દોઢ લાખના ઉઘરાણા: હાઈકોર્ટમાં ફરિયાદની તૈયારી!

16 November 2019 05:27 PM
Rajkot Government Saurashtra
  • ફાયરસેફટીના ચેકીંગમાં દોઢ-દોઢ લાખના ઉઘરાણા: હાઈકોર્ટમાં ફરિયાદની તૈયારી!

નોટીસ આપવા સહિતની કામગીરીમાં તોડ: વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ટયુશન કલાસ સંચાલકોને ખંખેરવાનું બંધ ન થાય તો જાહેર હિતની અરજી કરવા અતુલ રાજાણીનું એલાન

રાજકોટ તા.16
રાજકોટ મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખામાં એનઓસી માટે પાર્ટી પાસે રૂા.35 હજાર જેવી રકમ માંગવામાં આવ્યાની ચોંકાવનારી ફરિયાદ તાજેતરમાં સ્ટે.કમીટી ચેરમેન પાસે આવ્યા બાદ અને અધિકારીનો વારો નીકળ્યા બાદ વિપક્ષી દંડક અને વોર્ડ નં.3ના જાગૃત કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ ફાયરસેફટીના ચેકીંગના નામે મોટા તોડ થતા હોવાનું લેખીતમાં અને સત્તાવાર ધડાકો કર્યો છે.
ટયુશન કલાસ, દુકાનદારો અને ઉદ્યોગપતિઓ, બિલ્ડરો પાસેથી ફાયરસેફટીના નામે રૂા.દોઢ લાખ સુધીના ઉઘરાણા કરવાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાનું એલાન પણ કરતા ફરી કોર્પો. કચેરીમાં ચકચાર ફેલાઈ ગઈ છે.


આજે કોંગી નગરસેવકે જણાવ્યું હતું કે કોર્પો.ની ફાયરબ્રિગેડ શાખા દ્વારા ફાયરસેફટીનું ચેકીંગ, નોટીસ આપવાની કામગીરીમાં બેફામ કટકીબાજીનું તાંડવ શરૂ કરવામાં આવ્યું છે. શાખામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા બંધ કરીને આ ઉઘરાણા ચાલે છે. આ ભ્રષ્ટાચાર મામલે વિજીલન્દસ તપાસ થવી જોઈએ. કોઈ ફરિયાદ માટે આગળ ન આવે તો મ્યુનિ.કમિશ્ર્નરે ખુદ ફરિયાદી બનીને તપાસ કરાવવાની જરૂર છે. જુના જોગીઓનો ભ્રષ્ટાચાર ચાલુ રહે તે માટે નવા સ્ટાફની ભરતી કરાતી નથી અને ફાયરબ્રિગેડમાં વર્ષોથી આંતરિક બદલીઓ પણ કરવામાં આવતી નથી.
રાજકોટમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ટયુશન કલાસીસ સંચાલકો પાસેથી જેવા આસામી તે પ્રકારે રૂા.10 હજાર, 1 લાખ અને દોઢ લાખ સુધીના નાણા પડાવવામાં આવી રહ્યા છે. સ્ટાફના નાના કર્મચારીઓનો વચેટીયા તરીકે ઉપયોગ કરાઈ રહ્યાનું પણ કોંગ્રેસને જાણવા મળ્યું છે.


અતુલ રાજાણીએ વધુમાં જણાવ્યું છે કે તેમણે તાજેતરમાં ફાયરબ્રિગેડ શાખા અંગે જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન પૂછયા હતા. પરંતુ અધૂરા, ઉડાઉ, અસ્પષ્ટ અને ગેરમાર્ગે દોરનારા જવાબ આપવામાં આવ્યા છે. જો પ્રશ્ર્નકાળમાં પૂછેલા સવાલોના સાચા જવાબ આપવામાં આવે તો ફાયરબ્રિગેડના ભ્રષ્ટાચાર અને નિયમ વિરૂધ્ધની પ્રવૃતિઓનો પર્દાફાશ થઈ જાય તેમ હતો. જો આગામી દિવસોમાં ફાયર શાખામાં ભ્રષ્ટાચાર બંધ નહીં કરે તો આરટીઆઈ ઝુંબેશ ચલાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે, તેમજ જરૂર પડયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવશે.


તા.19-10-19ના જનરલ બોર્ડમાં અતુલ રાજાણીએ ચીફ ફાયર ઓફિસર કે.વી. ઘેલાની નિવૃતી બાદ ભરતી પ્રક્રિયા, ડે.ઓફિસર બી.જે. ઠેબાને ચાર્જ આપવા અંગે પ્રશ્ર્ન પૂછયો હતો. જેની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનો જવાબ અપાયો છે. પરંતુ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવા તા.6-10-17 એટલે કે બે વર્ષ અગાઉ કાર્યવાહી રૂપે અરજી મંગાવવામાં આવી હતી. જેના પર હજુ સુધી કોઈ અંતિમ કાર્યવાહી કરવામાં આવી નથી. ઈન્ચાર્જ અધિકારીની લાયકાત સહિતની માહિતી પૂછી હતી. કેટલા પેટ્રોલ પંપ, હાઈરાઈસ બિલ્ડીંગ અન્ય ઈમારતોમાં આ સમયમાં કરાયેલું ચેકીંગ, રીપોર્ટ, સર્ટી રીન્યુ ન થવા બદલ અધિકારી સામે પગલાની વિગત પૂછી હતી પરંતુ આ તમામ જવાબદારી આસામીની હોવાનું કહીને પાંચ મિલકતધારકને નોટીસ અપાયાનો જવાબ મળ્યો છે. તો શું રાજકોટની એકેએક ઈમારત ફાયરસેફટીની દ્દષ્ટિએ સલામત છે તેવો લેખિતમાં જવાબ શું કોર્પો. આપી શકશે એવો પ્રશ્ર્ન પણ અંતમાં અતુલ રાજાણીએ પૂછયો છે.


Loading...
Advertisement