એટહોમ-ખાતમુહુર્ત-લોકાર્પણ : પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે રાજકોટમાં તૈયારી

15 November 2019 05:42 PM
Rajkot Gujarat
  • એટહોમ-ખાતમુહુર્ત-લોકાર્પણ : પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે રાજકોટમાં તૈયારી

પંદર દિવસ સુધી મંત્રીઓના રાજકોટમાં ધામા : કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ : રંગારંગ-સાંસ્કૃતિક કાર્યક્રમો : શહેરની તમામ સરકારી ઇમારતોને રોશની : તમામ રાજમાર્ગો ચમકશે : રાજયપાલ સહિતના મહાનુભાવો સામેલ થશે : તંત્ર હરકતમાં

રાજકોટ તા.15
રાજય સરકારે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ફાળવી છે. આ અગાઉ સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થઇ હતી. ત્યારે મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઇ મોદી હતા. સત્તર વર્ષ બાદ અને પ્રજાસત્તાક પર્વની પ્રથમ વખત રાજયકક્ષાની ઉજવણી રાજકોટને મળતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓએ તડામાર તૈયારીઓ આદરી છે. રાજયકક્ષાના પર્વની ઉજવણીના માસ્ટર એવા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ અત્યાર સુધીમાં ચાર જેટલી રાજયકક્ષાના પર્વની ઉજવણીઓ કરી હોય તેમના શિરે તમામ જવાબદારીઓ આવશે. રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે પંદર દિવસ મહોત્સવો ઉજવાશે. રાજયનું આખુ પ્રધાનમંડળ, રાજયપાલ અને મુખ્યમંત્રી રાજકોટના મહેમાન બનશે. કરોડો રૂપિયાના વિકાસ કામોનાં ખાતમુર્હુત-લોકાર્પણો કરવામાં આવશે તેવુ જાણવા મળેલું છે. રાજકોટમાં પ્રજસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી સંદર્ભે પંદર દિવસ સુધી જુદા-જુદા તાલુકા-ગામો શહેરોમાં રાજયના પ્રધાનો વિકાસ કામોના ખાતમુર્હુત લોકાર્પણ કરશે. 25 જાન્યુઆરીએ એટ હોમ કાર્યક્રમ યોજાશે. આ મુખ્ય સમારોહમાં રાજયપાલ-મુખ્યમંત્રી સહિત રાજયનું આખુ પ્રધાનમંડળ સામેલ થશે. જિલ્લા કલકેટર રેમ્યા મોહને તમામ ખાતાના અધિકારીઓ પાસેથી વિકાસ કામોની યાદી મંગાવી છે. કરવાના થતા કામોના ખાતમુર્હુત થશે. થયેલા કામોના લોકાર્પણ કરાશે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી સંદર્ભે તમામ રાજમાર્ગોની કાયાપલટ કરાશે. માર્ગો-સાફ સુથરા કરી ચમકાવી દેવાશે. શહેર-જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રોશનીનો ઝળહળાટ કરાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ સંસ્થાઓ-શાળા-કોલેજોના છાત્રો તેમજ કલાકારોના વિવિધ કાર્યક્રમો યોજાશે. 2પ અને 26 જાન્યુઆર.ના કાર્યક્રમો મોટા ભાગે રેસકોર્ષના ઓપનએર થિયેટરમાં યોજાશે. જો કે સ્થળ પસંદ કરવાનું હવે નક્કી થશે.
રાજકોટ શહેર-જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે થઇ અધિક કલેકટર પરિમલ પંડયાએ આ અગા. જે તે જિલ્લામાં થયેલી ઉજવણીનું સાહિત્ય વિડીયો સેટ સહિતની વિગતો મંગાવી રાજકોટમાં કરવાના થતા કાર્યક્રમોના આયોજન માટે તૈયારીઓ આદરી છે. ચાલુ મહિનાના અંતમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી માટેના કાર્યક્રમોને આખરી ઓપ અપાશે. તડામાર તૈયારીઓ શરૂ થશે. બે મહિના સુધી સમગ્ર વહિવટી તંત્ર રાત-દિવસ કામે લાગશે. રાજય સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે અન્ય જિલ્લાઓમાંથી પણ નાયબ કલેકટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને રાજકોટમાં ફરજ સોંપાશે. સતત પંદર દિવસ સુધી રાજકોટ શહેર-જિલ્લાની પ્રજા રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના માહોલમાં સામેલ થશે. લાખો લોકો રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માળશે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ સંદર્ભે અધિકારીઓને ફરજ સોંપવાની તજવીજ આદરી છે. રાજયકક્ષાની આવી ઉજવણીનો માહોલ જાન્યુઆરી માસના પ્રારંભથી જ થઇ જશે તેવુ અંતમાં જાણવા મળેલ છે.


Loading...
Advertisement