મહેસુલી કાયદામાં સુધારો : નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે

15 November 2019 05:41 PM
Rajkot Saurashtra
  • મહેસુલી કાયદામાં સુધારો : નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે

એક જ અરજીમાં તમામ કામ : અરજદારોની હાલાકી ઘટશે : મહેસુલી કાયદામાં ધરખમ સુધારો : બિનખેતી-પ્રિમિયમ-હેતુફેર ઉપરાંત બોજા નોંધ-મુકિત-વારસાઇના કામો ઘર બેઠા થઇ શકશે

રાજકોટ તા.1પ
રાજકોટ સહિત રાજયભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતી કરાવી શકાશે. તેવો મહત્વનો નિર્ણય રાજયના મહેસુલ વિભાગે કર્યો છે. નવી શરતની જમીનને પંદર વર્ષનો સળંગ કબ્જો-વાવેતરની તમામ નોંધો-શરતભંગ થઇ ન હોય તેવા પ્રકારની નવી શરતની જમીનના આસામીઓને લાભ મળશે. નવી શરતની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારો જુની શરતમાં જમીન ફેરવી શકશે. જો બિનખેતી કરાવવા માંગતા ન હોય તો! આ સિસ્ટમ પણ ચાલુ રાખવામાં આવી છે. પરંતુ બંને પ્રકારની અરજીઓ માત્રને માત્ર ઓનલાઇન જ કરવાની રહેશે. નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે જુની શરતમાં ફેરવવાની તેમજ બિનખેતી કરાવવાની આમ બંને અરજીઓ એક સાથે થઇ શકશે. આ નવા નિર્ણયથી આસામીઓનો સમય-નાણાનો મોટો બચાવ થશે તેવુ મહેસુલ ખાતાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. જેને સમર્થન જિલ્લા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ આપ્યું હતું.
ગુજરાત રાજયના મહેસુલ ખાતાએ મહેસુલી કાયદા વધુ સરળ બનાવ્યા છે. આસામીઓની હાલાકી ઘટે તે માટે હવે નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવવા માટેની અરજી કરી શકાશે. જિલ્લા તંત્ર દ્વારા આવી અરજીઓના આધાર-પુરાવાઓ મેળવી જુની શરતનું બિનખેતી હેતુને પાત્ર પ્રિમીયમ અને બીનખેતીનો રૂપાંતર કર એક સાથે વસુલતો હુકમ કરી જમીનને બીનખેતી કરી આપશે.
દરમ્યાન રાજકોટ સહિત રાજયભરના જિલ્લા કલેકટરોને આ નવી પઘ્ધતિની અમલવારી મુદ્દે રાજય સરકારે 22 નવેમ્બર ેગાંધીનગર તેડુ કર્યુ છે. મહાત્મા મંદિર ખાતે વર્કશોપ યોજી સમજ અપાશે. આ વર્કશોપમાં પ્રિમીયમ હેતુફેર, બિનખેતી, બોજા નોંધ, વારસાઇ ઓનલાઇન, બોજા મુકિત સહિતની અડધો ડઝન કામગીરી કે જે સરકારે ઓનલાઇન કરી છે તેની વિસ્તૃત સમજ અપાશે. આ વર્કશોપમાં સોફટવેર કંપનીના ઇજનેરો-નિષ્ણાંતો હાજર રહી સિસ્ટમ અંગેની સમજ આપી, સવાલ-સમસ્યા સામે આવે તો નિકાલ કેમ કરવો? તેનુ માર્ગદર્શન આપશે. નવી શરતની જમીનને હવે સીધી બિનખેતી કરાવી શકાશે તે નિર્ણયને અધિક કલેકટર પરિમલ પંડયાએ પણ સમર્થન આપેલું હતું.

રાજકોટના મહેસુલી કર્મચારીઓની આવતા મહિને ચિંતન શિબિર યોજાશે
રાજકોટ શહેર-જિલ્લાના તમામ રેવન્યુ કર્મચારીઓ-મામલતદારો-નાયબ કલેકટરો, અધિક કલેકટર અને કલેકટરની એક ચિંતન શિબિર ડિસેમ્બર માસમાં યોજવામાં આવશે. ચિંતન શિબિર જિલ્લા કક્ષાની રાખવામાં આવી છે. ચિંતન શિબિર મોટા ભાગે ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર અથવા ઇશ્ર્વરીયા ખાતે યોજાઇ તેવી વિચારણા કરવામાં આવી છે. સ્થળ પસંદગી જિલ્લા કલેકટર રેમ્યા મોહન કરશે. ચિંતન શિબિરમાં સવારે યોગા, નિષ્ણાંતોના પ્રવચન, વાર્તાલાપ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે તેવું હાલ વિચારાઇ રહ્યું છે. ચિંતન શિબિર સંદર્ભે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવુ અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.

વારસાઇ નોંધ પડાવા મામલતદાર પાસે ધક્કા નહી : સોફટવેરમાં સીધી નોંધ પડી શકે
રાજકોટ શહેર-જિલ્લામાં ખેડૂત ખાતેદારોએ વારસાઇ નોંધ પાડવા માટે હવે કોઇપણ મામલતદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર રહેશે નહી. કિસાન પોતાના ખેડ ખાતામાં પોતાના વારસદારોના નામની સીધી નોંધ પાડી શકે તેવો આઇઓરા સોફટવેરના માઘ્યમથી પઘ્ધતિ વધુ સરળ બનાવી રહી છે. અગાઉ કિસાનોને વારસાઇ પાડવા મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડતા, આંબો, જરૂરી આધાર-પુરાવાઓ રજુ કરી મેન્યુઅલી અરજી કરતા હતા. હવે મહેસુલ વિભાગે વારસાઇ નોંધ પાડવા માટે ઓનલાઇન કામગીરી કરવાનો નિર્ણય કરી કોઇપણ ખેડૂત ખાતેદાર સરકારની ઓનલાઇન સોફટવેર આઇઓરાના માઘ્યમથી વારસાઇ કરવા અરજી કરી શકશે. અરજી થયા બાદ સકેન કરી અપલોડ કરવામાં આવેલા દસ્તાવેજોની જે તે મામલતદાર ખરાઇ કરશે અને સીધી વારસાઇ નોંધ પડશે. બાદમાં 3પ દિવસ પછી પાકી નોંધ જનરેટ થશે. હાલમાં રાજકોટ શહેર-જિલ્લામાં વારસાઇ નોંધ પાડવા માટે ઓનલાઇન અરજીનો પ3 જેટલા અરજદારોએ લાભ લીધો હોવાનું અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.

એક બ્રાંચમાં ત્રણ વર્ષથી વધુના સમયથી ફરજ બજાવતા કર્મચારી બદલાશે
રાજકોટ શહેર-જિલ્લાની મહેસુલી કચેરીઓમાં જુદી-જુદી શાળાઓમાં ત્રણ વર્ષથી વધુના સમયથી ફરજ બજાવતા કારકુન-નાયબ મામલતદારોની મોટા પાયે બદલી કરવામાં આવશે. સરકાર ખુદ ત્રણ વર્ષથી વધુ એક જ સ્થળે ફરજ બજાવતા એવા અધિકારીઓની બદલીઓ કરે છે. આ પઘ્ધતિ મુજબ જ રાજકોટ શહેર-જિલ્લાની તમામ મામલતદાર, ના.કલેકટર, કલેકટર સહિતની જુદી-જુદી શાખાઓમાં સળંગ ત્રણ વર્ષથી ફરજ બજાવતા રેવનયુ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવશે જે માટે લીસ્ટ તૈયાર થઇ રહ્યું હોવાનું અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.


Loading...
Advertisement