રાજકોટ : ખોદકામમાં ‘ચોમાસુ ઈન્ટરવલ’ પૂરો; જુના ડામર ફરી ઉખડયા

15 November 2019 04:48 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : ખોદકામમાં ‘ચોમાસુ ઈન્ટરવલ’ પૂરો; જુના ડામર ફરી ઉખડયા
  • રાજકોટ : ખોદકામમાં ‘ચોમાસુ ઈન્ટરવલ’ પૂરો; જુના ડામર ફરી ઉખડયા
  • રાજકોટ : ખોદકામમાં ‘ચોમાસુ ઈન્ટરવલ’ પૂરો; જુના ડામર ફરી ઉખડયા

ગુરૂવારે પેલેસ રોડ પર ત્રિકમથી અંડરગ્રાઉન્ડ વીજ લાઈન ભાંગતા અંધારપટ્ટ: સાવચેતી રાખવા પીજીવીસીએલનો સંદેશો : વોર્ડ નં.7-14માં પૂરઝડપે ચાલતું ડીઆઈ પાઈપલાઈનનું કામ: ઘરે ઘરે અપાશે કનેકશન: પેલેસ રોડ, ભકિતનગર બાદ ધર્મેન્દ્ર રોડ સહિતના વેપારી વિસ્તારોમાં પહોંચશે કામ

રાજકોટ તા.15
રાજકોટ શહેરમાં ગયુ વર્ષ સરકારી કચેરીઓની દ્દષ્ટિએ જુદી જુદી ભૂગર્ભ સુવિધાઓ માટે એક રીતે ખોદકામનું વર્ષ બની રહ્યું હતું. આ દરમ્યાન ભારે અને ખુબ લાંબુ ચોમાસુ આવતા મોકૂફ રાખવામાં આવેલું ખોદકામનું મેગા કામ ફરી જુના રાજકોટમાં મહાપાલિકાએ શરૂ કરી દીધુ છે. જીલ્લા ગાર્ડન ખાતે પાણીના નવા ટાંકા સાથેની ડીઆઈ પાઈપલાઈનની યોજના શરૂ કરાયા બાદ જુના રાજકોટના સૌથી મોટા ભાગ વાળા વોર્ડ નં.7 અને 14માં ફરી પાઈપલાઈન પાથરવા ડામર રોડ ખોદાવા લાગ્યા છે. તેમાં ગઈકાલે તો પેલેસ રોડ પર ખોદકામમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈન ભાંગી જતા પૂરા રોડ પર અંધારપટ્ટ છવાઈ ગયો હતો.
વીજ કંપનીના સ્ટાફે તાબડતોબ સ્થળ પર જઈને રીપેરીંગ કર્યુ હતું. સાથે જ હવે સંકલનથી કામ થાય અને કોઈ અકસ્માત જેવી કોઈ ઘટના ન બને તે માટે બેઠક કરીને રોડ મેપ સહિતની બાબતનું ધ્યાન રાખવા પીજીવીસીએલના અધિકારીઓએ કોર્પો.ના ઈજનેરોનું ધ્યાન દોર્યાનું જણાવ્યું હતું.
ભૂગર્ભ પાણીની લાઈન માટે સૌથી પહેલુ ખોદકામ જૂના રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.7 અને 14ના વેપારી વિસ્તારોમાં શરૂ કરાયેલા કામ વચ્ચે બજારોમાં વેપારીઓને થોડી અગવડતા પણ પડી હતી. એકને એક જગ્યાએ અનેક વખત ખોદકામ કરાયા હતા. પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, જાગનાથ સહિતના આ બન્ને વોર્ડના માર્ગો ચોમાસા પહેલા ખોદાયા હતા અને અનેક જગ્યાએ વાહન ચાલકો, વેપારીઓને પણ થઈ પડતા ખોદકામ પર ડામર કામ કરવામાં આવ્યા હતા. ખાડા બુરવા પેચવર્ક પણ કરાયા હતા. અંતે ચોમાસુ શરૂ થતા આ પ્રોજેકટનું કામ મોકૂફ રખાયું હતું.
હવે સત્તાવાર ચોમાસુ પૂરૂ થઈ ગયુ હોય થોડા દિવસોથી પાઈપલાઈનનું કામ શરૂ કરાયું છે. 80 ફૂટના રોડ પર જી.ટી. શેઠ હાઈસ્કુલ રોડ, ભકિતનગર સર્કલ, પેલેસ રોડ સહિતના રસ્તે નવી ડીઆઈ પાઈપલાઈન પાથરવામાં આવી રહી છે. ગઈકાલે પેલેસ રોડ પર સાંજે આ કામ ચાલુ હતું. તેવામાં એકાએક
પૂરા રોડ પર વીજળી ગુલ થતા બજારમાં દેકારો બોલ્યો હતો. સોની વેપારીઓએ વીજ કંપની પર ફોનના દોરડા ધણધણાવ્યા હતા. બાદમાં ખોદકામમાં ત્રિકમથી ભૂગર્ભ વીજ લાઈન ભાંગતા લાઈટ ગયાનું ધ્યાન પર આવ્યું હતું અને વીજ કંપનીના સ્ટાફે તુરંત રીપેરીંગ કર્યુ હતું.
પીજીવીસીએલના ઈજનેરે જણાવ્યું હતું કે જો કોઈ મોટા સાધન કે વાહનથી લાઈન ભાંગી હોત તો દુર્ઘટના પણ થઈ શકે તેમ હતી. સદ્ભાગ્યે આવું કઈ બન્યું નથી. પરંતુ જાહેર સલામતી માટે વીજ કંપનીના જે તે વિભાગ અને રોડ મેપ સાથે સંકલન કરી કોર્પો. આગળની કાર્યવાહી કરે તે અંગે તુરંતમાં મીટીંગ કરવામાં આવશે.
દરમ્યાન સેઈફ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સૌ પહેલા મોટી યોજના હેઠળ વોર્ડ નં. 7 અને 14માં એકટીવ કરવાનું છે. જુના રાજકોટના તમામ વિસ્તારોમાં મુખ્ય રોડ, શેરીઓ અને તે બાદ ઘરે ઘરે નવા પાઈપથી કનેકશન આપવામાં આવનાર છે. લોકોને કોઈ ખલેલ, પાણી ચોરીના વિક્ષેપ વગર પુરતું અને શુધ્ધ પાણી આ પ્રોજેકટથી મળવાનું છે. હજુ જુના રાજકોટના ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ઢેબર રોડ, જાગનાથ સહિતના વિસ્તારોમાં પણ આ રીતે ખોદકામ ચાલુ રાખી કનેકશનો આપવાની કાર્યવાહી કરવાનું મહાપાલિકાનું આયોજન છે.


Loading...
Advertisement