જસદણ યાર્ડના ચેરમેનપદે અરવિંદ તાગડીયાની વરણી

15 November 2019 01:17 PM
Jasdan
  • જસદણ યાર્ડના ચેરમેનપદે અરવિંદ તાગડીયાની વરણી

સતત ત્રીજી વખત બિનહરીફ : શુભેચ્છાનો ઢગલો

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ, તા. 1પ
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાતા સહકારી અગ્રણી અરવિંદભાઈ ધનજીભાઈ તાગડીયા બિનહરીફ થયા હતા.
જસદણ માર્કેટિંગ યાર્ડના સભાખંડમાં ડી.વી.ગઢવી , જિલ્લા રજીસ્ટાર, સહકારી મંડળી ભાવનગરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાતા બીજી ટર્મના અઢી વર્ષના ચેરમેન પદ માટે અરવિંદભાઈ ડી. તાગડીયાના નામની દરખાસ્ત માર્કેટીંગ યાર્ડના ડીરેકટર અને અને યાર્ડના ઉપપ્રમુખ ભગુભાઈ એમ બસિયાએ મૂકી હતી. જેને યાર્ડના ડીરેકટર પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરાએ ટેકો આપ્યો હતો.
આ બેઠકમાં ખેડૂત વિભાગના આઠ, વેપારી વિભાગના ચાર, નગરપાલિકાના પ્રતિનિધિ નરેશભાઈ ચોહલીયા, તાલુકા સંઘના એક તથા સરકારી પ્રતિનિધિ એક એમ કુલ 15 સભ્યો હાજર રહ્યા હતા. અન્ય કોઈ પણ નામની દરખાસ્ત નહીં આવતા અરવિંદભાઈ તાગડીયા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. અરવિંદભાઈ તાગડીયા ચેરમેન પદે ત્રીજી વખત બિનહરીફ થયા છે. તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી તરીકે છે અને સાણથલી જુથ સેવા સહકારી મંડળીના પાંત્રીસ વર્ષથી પ્રમુખ છે. ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં માનદ મંત્રી છે તેમજ છેલ્લા 22 વર્ષથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર તરીકે છે. અરવિંદભાઈ તાગડિયાએ ચેરમેન પદે ચૂંટાયા બાદ જસદણ યાર્ડ માં પહેલાની જેમ જ તટસ્થ અને ખેડૂતોના હિતમાં ખેડૂત વર્ગ તેમજ વેપારી વર્ગ સૌને સાથે રાખીને યાર્ડ નું સંચાલન કરવાનો કોલ આપ્યો હતો.


Loading...
Advertisement