મોરબી: સરકારી કર્મચારીઓ કામ કરતા નથી અને નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા ખવડાવે છે. સરકારી કર્મચારીઓ આળસુની જેમ પડી રહે છે અને નાગરિકોને ટલ્લે ચઢાવે છે. આવા અનેક કિસ્સા પુરાવા સાથે સામે આવતા હોય છે. ત્યારે સરકારી તંત્રને શર્મસાર કરતો જાલીડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરવા જતાં મહિલા તલાટી ગ્રામ પંચાયતના સભ્ય પર ભડકી હતી, જેનો વીડિયો પુરાવારૂપે સામે આવ્યો છે.
બન્યું એમ હતું કે, જાલીડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ના સભ્ય વીસાભાઈ લોહે મહિલા તલાટી પાસે ફરિયાદ કરવા ગયા હતા. તેઓ રોડ કામમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ કરવા માટે તલાટીની ઓફિસમાં પહોંચ્યા, તો ત્યાં મહિલા તલાટીએ તેમની ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું. એટલું જ નહિ, મહિલા તલાટી જવાબ આપ્યા વગર જ મોબાઈલ ફોન પર રમતા જોવા મળ્યા હતા.