કોર્પો.ના ફૂવારામાં જ મચ્છરના પોરા મળ્યા

14 November 2019 07:34 PM
Rajkot
  • કોર્પો.ના ફૂવારામાં જ મચ્છરના પોરા મળ્યા
  • કોર્પો.ના ફૂવારામાં જ મચ્છરના પોરા મળ્યા

શેવાળ જામી ગયો છે-તત્કાલ સફાઈ કરાવાઈ: ઝોન કચેરીઓમાં ઠેર ઠેર બ્રીડીંગ..

રાજકોટ તા.14
રાજકોટ મહાપાલિકા દ્વારા ડેંગ્યુના વધેલા ખતરા વચ્ચે રોજેરોજ આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવે છે ત્યારે આજે ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ ઝોન કચેરીના આંગણમાં આવેલા બંધ ફૂવારામાં મચ્છરના બ્રીડીંગ થાય તેવી હાલત જોવા મળતા તાત્કાલિક સફાઈ કરાવવામાં આવી હતી.
આજે સવારે પૂર્વ વડાપ્રધાન નહેરૂજીને પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે બાદ કોંગ્રેસના કેટલાક આગેવાનોએ ફૂવારામાં શેવાળ જામી ગયાની અને સફાઈ નહીં થતી હોવાની ફરિયાદ કરી હતી. આથી તુરંત આરોગ્ય વિભાગના સ્ટાફે તપાસ કરી સફાઈ કરાવી હતી. આ ફૂવારો આમ તો લાંબા સમયથી બંધ જેવી હાલતમાં રહે છે. પરંતુ અવારનવાર પડતા વરસાદના કારણે અહીં પણ પાણી ભરાઈ જાય છે. શેવાળ જામેલો રહે છે.
આવી જ હાલત કોર્પો.ના આશાપુરા રોડ તરફના ફૂવારાની પણ છે. અહીં ખૂણામાં રહેલી ગ્રીલ વાળી જગ્યામાં ગંદકી અને પાણી ભરાયેલું રહે છે. આ જગ્યાએથી તો અગાઉ કોર્પો.ના પ્રતિક સ્ટીલના કબુતરની ચોરી થઈ ગયાની શરમજનક ઘટના પણ બની હતી. અહીં પણ નિયમીત સફાઈ થતી નથી.
આમ તો ત્રણે ઝોન કચેરી સહિતની કોર્પો.ની મિલ્કતોમાં દર સપ્તાહે સફાઈથી માંડી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે છે પરંતુ ત્રણે કચેરીમાં દરેક માળે રહેલા વોટર કુલર, યુરીનલ સહિતની જગ્યાએ રોજેરોજ અને વધુ સફાઈની જરૂર હોવાનો મત છે. અમુક બંધ અને પડતર જગ્યા, અગાસીઓ, પાણીના ટાંકા આસપાસ મચ્છરોનો ઉપદ્રવ થાય તેવી હાલત હોવાનું ખુદ કર્મચારીઓ કહી રહ્યા છે.


Loading...
Advertisement