શિક્ષણ બોર્ડનું કદ વેતરાશે!: શિક્ષકો-આચાર્યો-સંચાલકોનો વિરોધ

14 November 2019 05:56 PM
Rajkot Education Saurashtra
  • શિક્ષણ બોર્ડનું કદ વેતરાશે!: શિક્ષકો-આચાર્યો-સંચાલકોનો વિરોધ

60માંથી 30ની સભ્ય સંખ્યા કરવા ગતિવિધીઓ તેજ: રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓનો સતત વધારો છતા 1974ની સાલનું મહેકમ વિખેરવા તખ્તો તૈયાર

રાજકોટ તા.14
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું કદ વેતરવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે! તેની સામે શિક્ષકો, આચાર્યો અને સંચાલકો તેમજ શિક્ષણ બોર્ડના મેમ્બરોમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામેલ છે.
શિક્ષણ બોર્ડનું 60 સદસ્યોનું મહેકમ 1974ની સાલમાં અસ્તિત્વમાં આવેલ હતું. જેને 44 વર્ષ જેવો સમય થયેલ છે જેમાં છેલ્લા બે દશકામાં રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યામાં ભારેખમ વધારો થવા પામેલ છે. ત્યારે બોર્ડ સદસ્યોનું સંખ્યાબળ વધારવાના બદલે તેમાં હવે ઘટાડો કરવા માટે ગતિવિધિઓ તેજ કરી દેવાતા અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે આ બોર્ડ સદસ્યોનું સંખ્યાબળ ઘટાડવા પાછળ કરકસરના પગલાનું કારણ આપવામાં આવી રહ્યું છે. અહી એ ઉલ્લેખનીય છે કે હાલના શિક્ષણ બોર્ડના 60 સદસ્યોના સંખ્યાબળમાં રાજયની યુનિ.ઓના પ્રતિનિધીઓ-10, ધારાસભ્ય-5 અધિકારીઓ 16 ઉપરાંત સરકાર નિયુકત સદસ્યો-3 આચાર્ય-6 માધ્યમિક શિક્ષકો-6 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો-3 વાલીમંડળના સદસ્યો-3 સંચાલક મંડળના સદસ્યો 4 બી એડ પ્રિન્સીપાલ-1 વહીવટી કલાર્ક-2 અને સરકારી શિક્ષક-1નો સમાવેશ થાય છે. જેમાંથી 26 સદસ્યોને લોકશાહીઢબે ચૂંટણી યોજી બોર્ડમાં સ્થાન આપવામાં આવે છે. પરંતુ આ વખતે બોર્ડના સદસ્યોનું સંખ્યાબળ ઘટાડવાના મુદે જ શિક્ષણ બોર્ડની ચૂંટણી એક માસ પાછી ઠેલવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
સુત્રોએ વિશેષમાં એવું પણ જણાવેલ છે કે શિક્ષણ બોર્ડનું હાલનું સંખ્યાબળ 60માંથી 30 કરવા માટેની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. બોર્ડ સદસ્યોનું સંખ્યાબળ ઘટાડવા સામે શિક્ષણ બોર્ડના ચેરમેનને શિક્ષણવિદો અને બોર્ડ મેમ્બરો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે આ મામલે ભારે નારાજગી પ્રસરી છે.


Loading...
Advertisement