રાજકોટ : આરોગ્ય શાખા ખાલી થવા લાગી; નવી ભરતીના પડકાર

14 November 2019 05:50 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : આરોગ્ય શાખા ખાલી થવા લાગી; નવી ભરતીના પડકાર

હવે નવા અધિકારીની તુરંત નિમણુંક કરાશે: ઉદિત અગ્રવાલ : ત્રણ વર્ષે મેડિકલ ઓફિસર ડો.પંડયાનું રાજીનામુ મંજૂર-ડે.ઓફિસરનું પણ રાજીનામુ: ચાર દવાખાના ડોકટર વગરના છે

રાજકોટ તા.14
રાજકોટ મહાપાલિકામાં મોટાભાગે ઈન્ચાર્જથી ચાલતી આરોગ્ય શાખામાં મુખ્ય હેલ્થ ઓફિસરની ભરતી કરવાનો રસ્તો મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે ખોલીને તુરંત ભરતીના નિર્દેશ આપ્યા છે. તો વધુ એક ના.અધિકારી રાજીનામુ આપીને ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ ગયા છે. નવા મેડિકલ ઓફિસર સહિતની ભરતીના મોટા પડકાર વચ્ચે આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરોની જગ્યા પણ હજુ ખાલી છે તે પડકાર જનક બાબત ગણાઈ રહી છે.
ત્રણેક વર્ષ અગાઉ મનપાના આરોગ્ય અધિકારી ડો. વી.પી. પંડયાએ રાજીનામુ આપ્યુ હતું. જે લાંબા સમયથી વિચારણા હેઠળ હોય અને તપાસ સહિતની કાર્યવાહી થઈ હોય મંજૂર કરાતું ન હતું. પરંતુ હવે રાજકોટના વિશાળ આરોગ્ય હિતને ધ્યાનમાં રાખી અને આરોગ્ય શાખાની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય તે ધ્યાનમાં રાખી કમિશ્ર્નરે આ રાજીનામુ મંજૂર કરી દીધુ છે. સાથે જ શાખાના વડાની જરૂરીયાત હોય તુરંત ભરતી પ્રક્રિયા કરવાના નિર્દેશ આપ્યા છે.
હાલ ચોમાસુ લંબાયું છે અને શિયાળા પૂર્વે ડબલ ઋતુની સ્થિતિ છે. આ સમયમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાની શકયતા નકારી શકાતી નથી. સ્વાઈન ફલુની પણ શિયાળામાં ચિંતા રહે છે. આથી મેડિકલ ઓફિસરની જગ્યા તુરંત ભરાશે. પરંતુ આંકડા નિયામક સહિતની ઘણી જગ્યા હજુ કોર્પો.માં ખાલી છે. મનપા હેઠળ રહેલા 21 પૈકી ચાર આરોગ્ય કેન્દ્રમાં તો હજુ કાયમી મેડિકલ ઓફિસર નથી. આરસીએચની ઘણી જગ્યા ખાલી છે.
શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે યોજનાઓ બનાવવામાં આવી છે. પરંતુ ગાયનેકથી માંડી પેડીયાટ્રીક સહિતના ડોકટરો ભરતીમાં ન આવતા મનપાની પ્રતિષ્ઠા સામે ફરી સવાલો થયા હતા. કારણ કે છેલ્લા વર્ષોમાં ઘણા આરોગ્ય અધિકારી નોકરી મુકીને ચાલ્યા ગયા છે તે ઉલ્લેખનીય છે. ઈન્ચાર્જથી જ ગાડુ ગબડાવવામાં આવે છે. હાલના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ મેડિકલ લીવ પર છે. અન્ય સ્ટાફની રજાઓના કારણે તેઓ લીવ વચ્ચેથી પણ હાજર થયા હતા. જોકે ફરી નાદુરસ્ત તબીયત હોય રજા પર છે.
મહાપાલિકામાં આ વિભાગ આવશ્યક સેવામાં આવે છે. પરંતુ સાથોસાથ સરકારની પણ પ્રાથમિકતામાં રહેલા આ વિભાગમાં કમસે કમ સરકાર ડેપ્યુટેશન પર કેમ મેડિકલ ઓફિસર મોકલતી નથી તે સવાલ હજુ ચર્ચાઈ રહ્યો છે.


Loading...
Advertisement