રાજકોટ: રેસકોર્ષ રીંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન કારચાલકે મહિલા કોન્સ્ટેબલને હડફેટે લીધા

14 November 2019 05:22 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: રેસકોર્ષ રીંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન કારચાલકે મહિલા કોન્સ્ટેબલને હડફેટે લીધા

મહિલા પોલીસ સ્ટેશન નજીક જ : કાર હડફેટે ચડાવ્યા બાદ ઘવાયેલા મહિલા કોન્સ્ટેબલને સારવારમાં ખસેડાયા : અકસ્માતની ઘટના બાદ કાર રેઢી મુકી ચાલક નાસી ગયા બાદ પોલીસે ઝડપી લીધો : અઠવાડીયા પૂર્વે જ મહિલા કોન્સ્ટેબલની સુરતથી રાજકોટ બદલી થઇ હતી

રાજકોટ તા.14
શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશન નજીક વાહન ચેકીંગ સમયે કારચાલકે મહિલા કોન્સ્ટેબલને હડફેટે લેતા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મહિલા કોન્સ્ટેબલને કારની ઠોકરે લીધા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી છુટતા પોલીસે તેની સામે ગુનો નોંધી બાદમાં તેને ઝડપી લીધો હતો.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સવારના સવા અગ્યિાર આસપાસ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા મહિલા પોલીસ મથક નજીક પીએસઆઇ એન.બી.ડાંગર તથા સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ કરાઇ રહ્યું હતું.
દરમિયાન અહીંથી એક કાર પસાર થઇ હતી. જેણે વાહન ચેકીંગ કરી રહેલા મહિલા કોન્સ્ટેબલ પારૂલબેન વિરાભાઇ ડાંગર (ઉ.વ.2પ)ને કારે ઠોકરે લેતા તેમને પગના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.


મહિલા કોન્સ્ટેબલ પારૂલબેન મુંજકા ગામમાં રહે છે અને મૂળ તાલાલા ગીરના વતની છે. ગત તા.7/11ના રોજ તેમની સુરતથી રાજકોટ બદલી કરવામાં આવી હતી. અકસ્માતની આ ઘટના બાદ એક તબક્કે કાર નં. જીજે 3 3000નો ચાક કાર રેઢી મુકી નાસી ગયો હતો. બાદમાં પ્ર.નગર પોલીસે કારના ચાલક સામે આઇપીસીની કલમ 219, 338 તેમજ એમવીએકટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી કારચાલક શાહિદ અલ્લારખા લાખા (ઉ.વ.28) (રહે.બજરંગવાડી, પુનીતનગર શેરી નં.8) રાજકોટને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement