રાજયની તમામ 16 ચેકપોસ્ટ તા.20થી નાબુદ થશે: વિજય રૂપાણી

14 November 2019 02:23 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજયની તમામ 16 ચેકપોસ્ટ તા.20થી નાબુદ થશે: વિજય રૂપાણી

રાજયમાં માર્ગ પરિવહન અને આરટીઓની કામગીરી અંગે ત્રણ મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રી : વાહન માલીકો અને ટ્રાન્સપોર્ટરોના કર અને ફીનું ચૂકવણુ ઓનલાઈન: ચેકપોસ્ટ સ્ટાફને ફલાઈંગ સ્કવોડમાં ફેરવી નંખાશે: તમામ પ્રકારના દંડ અને ફીની વસુલાત હવે અધિકારીઓ દ્વારા હેન્ડ હેલ્ડ ડીવાઈસથી : રાજયની 221 આઈટીઆઈ અને 29 પોલીટેકનીક ખાતે લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા પ્રાયોગીક ધોરણે શરૂ: તા.25થી સતાવાર લોન્ચીંગ: હવે લર્નીંગ માટે જિલ્લા આરટીઓ કચેરીએ ધકકા ખાવા નહી પડે : ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ આરસી બુક, હાઈપોથીકેશન કરવું કે રદ કરવુ તમામ પ્રકારની સાત સેવા ઓનલાઈન: આરટીઓ કચેરીએ જવુ નહી પડે: વાહન નોંધણી, ટેમ્પરરી પરમીટ, ફેન્સી નંબર, એનઓસી પણ ઓનલાઈન

રાજકોટ તા.14
ગુજરાતમાં આગામી તા.20 નવેમ્બરથી રાજયની તમામ 16 ચેકપોસ્ટ નાબુદ કરવામાં આવશે તથા વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો તેમના કર, દંડ અને અન્ય ફીનું ચૂકવણું www.parivahan.gov.in પર ઓનલાઈન કરી શકશે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પરિવહન અને ટ્રાન્સપોર્ટ મુદે અગત્યની ત્રણ જાહેરાતો કરતા જણાવ્યું હતું કે આરટીઓની કામગીરી પારદર્શક બને તથા વાહન માલિકો તથા ચાલકોની પરેશાની ઓછી થાય તે માટે રાજય સરકારે આ તમામ કાર્યવાહી ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. રાજયની તમામ 16 ચેકપોસ્ટ તા.20થી કામ કરતી બંધ થઈ જશે અને ચેકપોસ્ટ સંબંધીત તમામ પ્રકારની કામગીરી તથા ચૂકવણા ઓનલાઈન કરી શકાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું હતું કે રાજયમાં ડ્રાઈવીંગ લાયસન્સની કામગીરીમાં પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં લર્નીંગ એટલે કે કાચા લાયસન્સ મેળવવા માટે રાજયની 221 આઈઆઈટી અને 29 પોલીટેકનીકમાં લર્નીંગ લાયસન્સની પરીક્ષા લેવામાં આવશે. આ કામગીરી સતાવાર રીતે તા.15થી ચાલુ થશે.

પરંતુ રાજય સરકારે અનેક આઈઆઈટીમાં આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં 13000 જેટલા અરજદારોએ આ વ્યવસ્થા હેઠળ લર્નીંગ લાયસન્સની પરીક્ષા આપી હતી અને તેમાં 7000થી વધુને લર્નીંગ લાયસન્સ આપી દેવામાં આવ્યા છે. રૂપાણીએ જણાવ્યુ કે આ પ્રકારની વ્યવસ્થાથી દર વર્ષે 8 લાખથી વધુ લોકોને લર્નીંગ લાયસન્સ લેવાની આરટીઓ કચેરી પર આવવુ પડતુ હતુ તેને હવે નજીકની આઈઆઈટી અથવા પોલીટેકનીક ખાતે આ સુવિધા મળી શકશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું હતું કે સરકારે ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુઅલ ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ, ડ્રાઈવીંગ લાયસન્સની માહિતી કે રિપ્લેસમેન્ટ, આર.સી.બુક સંબંધીત તમામ કામગીરી જેમકે હાઈપોથીકેશન કે વાહન પરનો આ પ્રકારનો બોજો દૂર કરવા સહિતની કામગીરી પણ ઓનલાઈન થઈ ગઈ છે. આ માટે વેબસાઈટ પર જઈને વન ટાઈમ પાસવર્ડ મેળવવાનો રહેશે અને તેના આધારે આ કામગીરી થશે. જેથી લોકોએ આ પ્રકારની કામગીરી માટે આરટીઓએ ધકકો ખાવાની જરૂર રહેશે નહી.

આ ઉપરાંત વાહનની નોંધણી, ફેન્સી નંબર એટલે કે સ્પેશ્યલ નંબર, સ્પેશ્યલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું એનઓસી, ટેકસ અને ફીની ચૂકવણી વગેરે પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. આરટીઓ કચેરી ખાતે અપવાદરૂપ કિસ્સામાં જ જવુ પડે તે માટે રાજય સરકારે વ્યવસ્થા કરી છે. શ્રી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ચેકપોસ્ટ નાબુદ થવાથી તેના તમામ સ્ટાફને હવે ફકત મોનેટરીંગની કામગીરીમાં જોડવામાં આવશે અને ઓવરલોડ સહિતના કિસ્સામાં પણ ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવશે. કંપનીઓને આ માટે અગાઉથી પેમેન્ટ કરીને તે ઓનલાઈન એકઝામ્પશન મેળવી શકશે.

જો કે ઓવરલોડ માલની પરવાનગી આ મોડેલ પર મળશે નહી. કારણ કે ઓવરલોડ અગાઉથી જ પ્રતિબંધીત છે અને ઓવરડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની એકઝામ્પશનમાં જો કોઈ ખોટુ કરશે તો તેને બમણો દંડ ફલાઈંગ સ્કવોડ મારફત વસુલાશે. આરટીઓની સમગ્ર કામગીરી મેન્યુઅલને બદલે તા.20 થી ઈ ચલણ પર હેન્ડ હેલ્ડ ડીવાઈસથી કરી શકાશે. આ માટે તમામ ચેકીંગ અધિકારીઓના ખાસ હેન્ડ હેલ્ડ ડીવાઈસ આપવામાં આવશે અને તેનાથી સમગ્ર કામગીરી પારદર્શક થશે.


Loading...
Advertisement