હેલ્મેટ મોટી હેરાનગતિ! પ્રજારોષને સરકાર પારખે; ચેમ્બરે ધોકો પછાડયો

08 November 2019 06:54 PM
Rajkot
  • હેલ્મેટ મોટી હેરાનગતિ! પ્રજારોષને સરકાર પારખે; ચેમ્બરે ધોકો પછાડયો

હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાનુ જ ભયજનક બની ગયુ છે: કાયદો હટાવવા સરકારમાં માંગ : રાજય સરકાર કોઈ દાદ ન આપે તો રૂબરૂ રજુઆત અને છતાં નિર્ણય ન કરે તો વેપારી સંગઠનોની સંયુક્ત બેઠક યોજવાની તૈયારી : વેપારી-પ્રજા દરેક વર્ગનો પ્રશ્ર્ન છે, નિવેડો લાવવો જ પડે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈશ્ર્ણવની સ્પષ્ટ વાત: હેલ્મેટ-સીટબેલ્ટમાં લોકો ખોટી રીતે દંડાય છે: દસ્તાવેજો રાખવામાં પણ છુટછાટની માંગ

રાજકોટ તા.8
ટુ-વ્હીલર્સમાં હેલ્મેટ તથા કારમાં સીટબેલ્ટ ફરજીયાત બનાવતા કાયદાનો કડક અમલ શરૂ કરાવવામાં આવ્યો છે અને તે સામે લોકોમાં જનાક્રોશ ભભુકે છે ત્યારે હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ધોકો પછાડયો છે. ફરજીયાત હેલ્મેટ-સીટબેલ્ટનો નિયમ પાછો ખેંચવાની સ્પષ્ટ માંગ કરી છે. અન્યથા આવતા દિવસોમાં તમામ વેપારી સંગઠનોની બેઠક યોજીને સંયુક્ત નિર્ણયો લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોની સલામતી માટેના કાયદા માન્ય છે. પરંતુ ફરજીયાત હેલ્મેટ તથા સીટબેલ્ટ અને તેમાં ધરખમ ટ્રાફીક દંડ યોગ્ય કે વ્યવહારુ નથી. વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ કનડગત વિશે ચેમ્બરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સામાન્ય લોકોમાં પણ આ કાયદા સામે આક્રોશ નજરે પડી રહ્યો છે એટલે સરકારમાં રજુઆત કરવા માટે પહેલ કરવી પડી છે.
હેલ્મેટ મોટી હેરાનગતિ જ છે અને તે પહેરીને વાહન ચલાવવાનું વધુ ભયજનક બની ગયુ હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરતા તેઓએ કહ્યું કે ફરજીયાત હેલ્મેટ-સીટબેલ્ટનો કાયદો રદ કરવા કે અમલ અટકાવવાનું જરૂરી બની ગયું છે. લોકોનો આ વ્યાજબી પ્રશ્ર્ન છે. પ્રજામાં આક્રોશ ભભુકે જ છે.
રાજકોટ જેવા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ, સ્પીડ બ્રેકર સહિતની ટ્રાફિક વ્યવસ્થા છે. વાહનોની સંખ્યા વધુ છે એટલે મોટાભાગે વાહનો બેફામ ઝડપે ચલાવી શકાતા પણ નથી. અમુક તત્વો પણ કૃત્યો કરતા હોય તો પોલીસ દાખલારૂપ બોધપાઠ આપીને તેઓને સીધાદોર કરી શકે છે. હેલ્મેટ-સીટબેલ્ટના કાયદાના કડક અમલ કરાવીને તિજોરી ભરવાની છાપ લોકોના મનમાં ઉપસવા લાગી છે. આ કાયદામાં લોકો ખોટી રીતે દંડાય છે. ગરીબ હોય કે ધનિક, કોઈપણ માણસને 500-500 રૂપિયાનો દંડ આકરો લાગવાનો જ છે. શહેરોમાં જીવલેણ અકસ્માતો ભાગ્યે જબનતા હોય છે. હેલ્મેટ-સીટબેલ્ટના કાયદાનો અમલ માત્ર મેટ્રોસીટી તથા હાઈવે પુરતો જ મર્યાદીત રાખવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજય સરકારને સૂચવાયુ છે.
રાજય સરકારને લેખિત રજુઆત કરી છે. કાઈ દાદ ન મળે તો રૂબરૂ રજુઆત કરવામાં આવશે છતાં નિવેડો ન આવે તો વેપારી સંગઠનોની બેઠક બોલાવીને સંયુક્ત રણનીતિ નકકી કરવામાં આવશે. આ પ્રશ્ર્ન દરેક વર્ગનો છે અને ઢગલાબંધ રજુઆતો મલી છે એટલે વેપારી મહાજન તરીકે તેનો ઉકેલ લાવવાની જવાબદારી બની જાય છે.
સરકારને પાઠવાયેલા લેખિત પત્રમાં એમ કહેવાયુ છે કે હેલ્મેટ પહેરીને વાહનચાલકોની હાલત વધુ કફોડી બની રહી છે. અકસ્માતનુ જોખમ ઘટવાને બદલે વધી જતુ હોવાનો ઘાટ છે.
હેલ્મેટ-સીટબેલ્ટ સિવાય આર.સી.બુક, વીમા પોલીસી, પીયુસી જેવા દસ્તાવેજો સાથે રાખવાના નિયમોમાં પણ છુટછાટો માંગી છે. ડીજી લોકરની સુવિધા છે છતાં દરેક વાહનચાલક તેનો ઉપયોગ કરી શકે તેવી અપેક્ષા વધુ પડતી છે. દસ્તાવેજો ખોવાઈ જાય તો નવા કઢાવવામાં પડતી તકલીફ ભોગ બનનાર જ સમજી શકે છે. બાળકો સાથે હોય તો પણ ટ્રીપલ સવારીનો ગુનો નહીં ગણવાની પણ માંગ કરવામાં આવી છે.


Loading...
Advertisement