પ્રથમ પાવરપ્લે બાદ અમે ધીમા પડી ગયા : બાંગ્લાદેશના કપ્તાનને અફસોસ

08 November 2019 05:46 PM
Rajkot India Saurashtra Sports
  • પ્રથમ પાવરપ્લે બાદ અમે ધીમા પડી  ગયા : બાંગ્લાદેશના કપ્તાનને અફસોસ

છેલ્લા ટી-20માં ટીમમાં ફેરફારની જરૂર નથી : મહમ્મદુલ્લાહ

રાજકોટ તા.8
બાંગ્લાદેશે ભારત સામે બીજી ટી-20 ગુમાવ્યા બાદ બાંગ્લાદેશના કપ્તાન મહમ્મદુલ્લાહે કહ્યું હતું કે, મિડલ ઓવર્સમાં વિકેટ ગુમાવવાના કારણે અમે મેચ હાર્યા હતા. ભારતે ટોસ જીતીને બાંગ્લા ટાઇગર્સને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લેમાં વિના વિકેટે 54 રન કર્યા પછી બાંગ્લાદેશની ટીમ મિડલ ઓવર્સમાં ભારતીય સ્પિન સામે ઝઝૂમી હતી અને તેના લીધે તેમને મેચ ગુમાવવી પડી હતી.
મહમ્મદુલ્લાહે કહ્યું કે, પિચ બેટિંગ માટે સારી હતી અને બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. જોકે ઓવર નંબર 12થી 14 દરમિયાન અમારી 2-3 વિકેટ ફટાફટ પડી ગઈ હતી. અંતિમ ઓવર્સમાં કોઈ સેટ બેટ્સમેન ક્રિઝ ઉપર ઉભો ન હોવાથી અમે મેચ હાર્યા હતા. આ ભૂલ અમને ભારે પડી હતી.
કપ્તાને કહ્યું કે, "ઓપનર્સે અમને બહુ સારી શરૂઆત અપાવી હતી. આ 180+ સ્કોરની વિકેટ હતી. સૌમ્ય સરકાર આઉટ થયો તેના પછી ક્રિઝ ઉપર બે નવા બેટ્સમેન હતા, તેમણે સમય લીધો હતો અને અમે મેચમાં પાછળ રહી ગયા હતા. અંતિમ ટી-20માં અમારે વધુ ફેરફાર કરવાની જરૂર નથી. બેટિંગમાં વધુ સારો દેખાવ કરવો અગત્યનો છે. બંને ટીમ રવિવારે અંતિમ ટી-20માં નાગપુર ખાતે ટકરાશે.


Loading...
Advertisement