વિજ ઈજનેરો- કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી: આવેદન

08 November 2019 05:12 PM
Rajkot Saurashtra
  • વિજ ઈજનેરો- કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી: આવેદન

માંગણીઓ-પ્રશ્ર્નોનો ઉકેલ ન આવે તો રાજયભરના 55000 વિજ કર્મચારીઓની માસ સીએલનો નિર્ણય અફર

રાજકોટ તા.8
સાતમા વેતનપંચના લાભો સહિતની અનેકવિધ માંગણીઓ સાથે આંદોલન શરૂ કરનારા રાજયભરના 50000થી વધુ વિજ ઈજનેરો- કર્મચારીઓએ આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો અને જુદા-જુદા શહેરોમાં જીલ્લા કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
આવતીકાલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યુનિયન નેતાઓને તેડાવવામાં આવ્યા છે. કોઈ નિરાકરણ ન આવે તો આંદોલન ચાલુ જ રાખવામાં આવશે.
જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સંયુક્ત રીતે આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. રાજયની તમામ સાત વિજ કંપનીઓના 55000 ઈજનેરો- કર્મચારીઓ સામેલ થયા છે. સાતમા વેતનપંચની અમલવારી બાદ એચઆરએ સહિતના ભથ્થાના લાભો આપવા, પર્યાપ્ત સ્ટાફ માટે તાત્કાલીક ભરતી કરવા, વર્તમાન મેડીકલ સ્કીમમાં સુધારો કરવા, હકક રજાના પૈસા રોકડમાં આપવા, ટેકનીકલ કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ આપવા, ખાતાકીય પ્રમોશન સહિતની માંગણીઓનો ઉકેલ લાંબા વખતથી આવતો ન હોવાથી સંયુક્ત લડત સમીતીએ આંદોલનની નોટીસ આપી હતી. મેનેજમેન્ટે મંત્રણા કે પ્રશ્ર્નો ઉકેલવાની દિશામાં કોઈ પહેલ નહીં કરતા છેવટે ગત 1લી નવેમ્બરથી આંદોલનના મંડાણ કરાયા હતા. આજે રાજયભરના વિજ કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. વિજ સ્ટાફ દ્વારા ગમે તેવી પરિસ્થિતિમાં કરાતી કામગીરીનો ઉલ્લેખ કરવા સાથે કલેકટર, કમિશ્ર્નર તથા વિજ કંપનીના એમડીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયું છે કે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે હવે 14મીએ તમામ 5500થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર જશે. આ દરમ્યાન કોઈ વિજવિક્ષેપ અથવા ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

વિજ યુનિયન નેતાઓને કાલે બેઠક માટે તેડુ: હડતાળ ગેરકાયદે હોવાના પત્રથી રોષ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા માંગણીઓનો ઉકેલ પેન્ડીંગ હોય અને હડતાળ પાડવામાં આવે તો તે ગેરકાયદે ઠરતી હોવાના પત્ર પાઠવતા કર્મચારી યુનિયનોમાં રોષ ફાટી નિકળ્યો છે અને વળતો પત્ર પાઠવીને ધારદાર દલીલો પેશ કરી છે.
સંકલન સમીતીએ ઉર્જા વિકાસ નિગમને પાઠવેલા પત્રમાં એમ કહ્યું છે કે 2016થી માંગણીઓ પડતર છે અને તેનો કોઈ ઉકેલ લવાતો નથી. આ કારણોથી અધિકારીઓ-કર્મચારીઓએ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે આંદોલન કરવાની ફરજ પડી છે. પે મેટ્રીકસ પગારધારામાં મેનજમેન્ટ જ ઢીલ કરી રહ્યું છે. ઔદ્યોગીક શાંતિ જળવાઈ રહે તે માટે ઉર્જા વિકાસ નિગમે બન્ને યુનિયનના નેતાઓને આવતીકાલે મીટીંગ માટે તેડાવ્યા છે. માંગણીઓનો યોગ્ય ઉકેલ આવે તો હડતાળ વિશે ફેરવિચારણા કરાશે. અન્યથા આંદોલન ચાલુ રાખવાની જીબીયાના બી.એમ.શાહ તથા વિદ્યુત સંઘના બળદેવ પટેલે જાહેરાત કરી છે.


Loading...
Advertisement