કચ્છના ઘાસિયા મેદાનમાં ખુંખાર દિપડાના ધામા : એક ડઝનથી વધુ પશુના શિકારથી ચિંતા

08 November 2019 01:37 PM
kutch
  • કચ્છના ઘાસિયા મેદાનમાં ખુંખાર દિપડાના ધામા : એક ડઝનથી વધુ પશુના શિકારથી ચિંતા

દિપડાથી પશુને બચાવવા જતા એક પશુપાલક પર પણ હુમલો : ભારે ગભરાટ

ભૂજ તા.8
ગત વર્ષ 2016માં થયેલી વસ્તી ગણતરીમાં રણપ્રદેશ કચ્છમાં દીપડાની વસ્તીનો આંક 30 થયો હતો ત્યારે થોડાક સમયથી ભુજ તાલુકાના નોખાણીયા - લોરિયા પંથકના સીમાડામાં રાની પશુ દિપડો એક પછી એક માલધારીઓના પશુઓનો મારણ કરી રહ્યો છે, છેલ્લા એકાદ મહિનાની અંદર જ બારથી વધુ પશુઓને મોતને ઘાટ ઉતારી દેનારા દિપડાએ ઝુરા કેમ્પમાં આજે વધુ એક પાડીનું મારણ કરતા માલધારી - પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
નોખાણીયા, લોરિયા, ઝુરા કેમ્પ સહિતના વિસ્તારોના સીમાડામાં માલધારીઓ પોતાના ઢોર ઢાખરને ચરાવવા જાય છે ત્યારે ડુંગરાળ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ પુષ્કળ ઘાસચારો હોવાને કારણે માલધારીઓ પોતાના ઢોરોને ડુંગરાળ વિસ્તારમાં જ રાતવાસો કરાવે છે, પરંતુ પાછલા એક મહિનાથી આ પંથકમાં એકાદ ડઝન જેટલા પશુઓને આ રાની પશુએ મોતને ઘાટ ઉતારી દીધા છે.
દીપોત્સવીના પર્વ અગાઉ ઝુરા કેમ્પ વિસ્તારમાં દિપડાએ એક માલધારીની બે પાડી સહિત ત્રણેક પશુઓનું મારણ કર્યું હતું, ત્યાર બાદ નૂતન વર્ષના પ્રારંભે જ નોખાણીયા - લોરિયાના સીમ વિસ્તારમાં બે-ત્રણ માલધારીઓના અડધો ડઝન પશુઓને ફાડી ખાધા હતા. પરંતુ હવે જાણે આ દિપડાએ પોતાનો પંજો વિસ્તાર્યો હોય તેમ ઝુરા કેમ્પની સીમમાં પશુઓ પર હુમલો કરી એક પાડીનું મારણ કરી દીધું છે તેવું સોઢા ધોલુભા પનજીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,દુધાળા પશુઓ પર હુમલાના પ્રયાસમાં રહેલા દિપડાને તેના ભત્રીજાએ પડકારતા તેના પર પણ આ હિંસક રાની પશુએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમય વર્તે સાવધાન થઈ જતા આ માલધારી હુમલાનો ભોગ બનતા બચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા એકાદ મહિનાથી નોખાણીયા, લોરિયા, ઝુરા કેમ્પ સહિતના વિસ્તારોમાં દિપડાએ આતંક મચાવી પશુઓનું મારણ કરી રહ્યો છે અને આ અહેવાલો અખબારોમાં ઉજાગર થઈ રહ્યા છે તેમ છતાં વન વિભાગે હજુ સુધી કોઈ જ પગલા ન લેતા માલધારી - પશુપાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.


Loading...
Advertisement