ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી

08 November 2019 01:19 PM
Morbi Gujarat Saurashtra
  • ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી
  • ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી
  • ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી
  • ખેડૂતોની મહેનત એળે નહીં જાય, નુકશાન ભરપાઇ કરશુ : વિજયભાઇ રૂપાણી

મોરબીમાં એસપી કચેરીનું લોકાર્પણ અને મહિલા દુધ ઉત્પાદક સંઘના અલગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી : નવી શ્ર્વેતક્રાંતિ સર્જાશે : ડેરીને 20 કરોડની સહાય

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.8
મોરબી ખાતે નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી)ના નવા ચિલીંગ પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મહિલાઓના સશક્તિણ માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેવું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું. ખાસ કરીને રાજ્ય ઉપર જે ‘મહા’ વાવાઝોડુનું સંકટ હતું તે ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બેઠા હોવાથી ગુજરાતમાં તબાહી અટકી ગયેલ છે જો કે, વાવાઝોડાની અસરના લીધે પડેલા કમોસમી વરસાદના લીધે જે ખડૂતોને નુકશાન થયું છે તેમને સરકાર પુરતી સહાય કરશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.
ગઈકાલે મોરબીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 12.71 કરોડના ખર્ચે નવી બનેલી એસ.પી.કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 7.5 કરોડના ખર્ચે બનનાર મોરબી જીલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધના ચિલીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, દરેક વાવાઝોડા વખતે સરકારે યુધ્ધના ધોરણે અગાઉથી જ રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી કરી હતી જો કે, વાયુ વાવાઝોડાની જેમ જ મહા વાવાઝોડું પણ દરિયામાં સમી ગયું છે જેથી ગુજરાત ઉપરથી ખતરો હાલમાં ટળી ગયો છે હાલમાં સંભવિત મહા વાવાઝોડામાં પણ આપણે સંભવિત વિસ્તારના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા અને સગર્ભા બહેનોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કુદરતી આપતીમાં એક પણ માનવીનું મૃત્યુ ન થાય તેવો રાજય સરકારનો સંકલ્પ હતો. તાજેતરમાં વરસાદ-માવઠાના પરિણામે જે ખેડુતોને ખેતીમાં નુકશાન થયેલ છે. તેને સરકાર પુરતી સહાય કરશે કેમ કે, સરકાર સતત ખેડુતોની ચિંતા સરકાર કરે છે અને હાલમાં જે નુકશાની થયેલ છે તેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું. ખાસ કરીને ખેડૂતોએ કરેલીં મહેનત એળે નહી જાય તેવી ખાતરી આપી હતી.
વધુમાં આ વર્ષે ખુબ મેધ મહેર થઇ હોવાની ખુશી વ્યકત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે,સૌની યોજના દ્વારા નર્મદાના નિરથી 115 ડેમો ભરાશે. આમ પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી નહિ પડે આટલું જ નહિ ટેન્કર રાજ ખતમ થશે. દુકાળ સૌરાષ્ટ્ર માટે ભુતકાળ બની જશે ગત વર્ષે સૌરાષ્ટ્રના 56 ડેમોમાં નર્મદાનું પાણી ભર્યું હતું. જેનાથી અછતમાં સૌરાષ્ટ્રમાં સ્થળાંતર અટકાવી શકાયુ હતું. ખાસ કરીને ખેતીની સાથે પશુપાલન કરતી મહિલાઓ સમૃદ્ધ બને તે માટે મોરબી જિલ્લાની ડેરીની બહેનોને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને મોરબી જિલ્લાની બહેનો ઘર બેઠા જ પશુપાલન કરી પગભર બની શકશે. અને તેમને કહ્યું હતું કે, પશુપાલન-ડેરી ઉધોગના વિકાસ માટે સુનિશ્ચિત દુધ ઉત્પાદન કરનાર ડેરીઓને 20 કરોડ સુધીની સહાય અપાશે.
રાજ્યના મહિલા સશક્તિકરણના અભિગમનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત સીટો તેમજ પોલીસ ભરતીમાં 33 ટકા બહેનો ને અનામત આપી મહિલા સશક્તિકરણ તરફ એક કદમ આગળ આવ્યા છીએ ગુજરાત ની દીકરીઓ અફસર બેટીઓ તરીકે ઓળખાય તેમજ મહિલાઓનું સન્માન જળવાય, મહિલાઓ મા નું સ્વરૂપ હોય તેમનું દરેકનું સન્માન થવું જોઈએ.
મોરબી ખાતે અધતન પોલીસ અધિક્ષક કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ કચેરીના આગમનથી મોરબી જિલ્લાની સુરક્ષામાં વધારો થશે. રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુદઢ બને તે માટે ચાલુ વર્ષે છ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. તમામ જિલ્લા અને તિર્થ સ્થળોએ 329 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવી સલામતી અને સુરક્ષામાં વધારો કરાયો હોવાનું તેમજ રાજયની પોલીસ આધુનિક ઉપકરણો અને મોબાઇલ એપ ‘પોકેટ કોપ’ દ્વારા વધુ સુસજજ બની હોવાનું મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું. આ તકે ગત ચોમાસામાં મોરબી પોલીસે લોકોને પુરમાંથી બચાવી પ્રસંશનિય કામગીરી કરી હતી તેનું પણ નોંધ લીધી હતી.
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પ્રથમ મહિલા દુધ ઉત્પાદક સંધ મોરબી જિલ્લામાં ત્રણ વર્ષથી કાર્યરત છે અને પશુપાલન પ્રવૃતિ ફુલે ફાલે, પૂરતા દુધના ભાવ પશુપાલકોને મળે તે માટે સરકાર કાર્યરત છે. આ સંધ-ડેરી દ્વારા મહિલાઓને રોજગારી પ્રાપ્ત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિચરતી વિમુકતી જાતિના 5 લાભાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભો એનાયત થયા હતા.
નવરચિત જિલ્લા મોરબીમાં પ્રજાજનોને સરળતાથી અને સમય અને નાણાંનો વ્યય ન થાય તે ધ્યાને લઇને જિલ્લા ખાતેની તમામ કચેરીઓ એક સંકુલમાં રાખવા સરકાર દ્રારા નિર્ણય કરવામાં આવતાં તે મુજબના મોરબી તાલુકાના - ત્રાજપર ગામે 10,000 ચો.મી. જમીન ઉપર એસ.પી.કચેરી મોરબીનું બે માળનું 6934 ચો.મી.નું બાંધકામ કરવા આવેલ છે. જેમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ વિભાગની વહિવટી શાખાઓ, લોકલ ઇન્ટેલીજન્સ શાખા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સાયક્રર ક્રાઇમ સેલ, ઇ- ચલન રૂમ, પોલીસ કંટ્રોલરૂમ, તેમજ વિડીયો કોન્ફરન્સ રૂમ, કોન્ફરન્સ હોલ, તાલીમ હોલ, તેમજ અત્યંત આધુનિક સુવિધાથી સજજ સી.સી.ટી.વી.કમાન્ડ કંટ્રોલરૂમનું નિર્માણ કરવામાં આવેલ છે.
મયુર ડેરી
નવરચિત મોરબી જિલ્લા ખાતે કાર્યરત શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) એ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ એવી માત્ર મહિલા સંચાલીત દુધ ઉત્પાદક સહકારી સંઘ છે. જે 3 વર્ષથી કાર્યરત છે. આમ ગુજરાત માટે એ એક ગૌરવપૂર્ણ બાબત છે. ગુજરાત સરકાર દ્વારા આ મયુર ડેરીને વિકાસ અર્થે રૂા. 6 કરોડની કિેમતની 4 એકર જમીન જંત્રી 10 ટકા મુજબ માત્ર 60 લાખમાં ફાળવવામાં આવી છે. આ જમીન પર ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી 50 ટકા સબસીડી સાથે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂા. 7.5 કરોડ ખર્ચે નવો મયુર ડેરીનો પ્લાન્ટ આકાર પામશે. આધુનિક કોર્પોરેટ કક્ષાનું ઓફસ બિલ્ડીંગ પણ સામેલ છે.
આ તકે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, બિન અનામત વર્ગ વિકાસ નિગમના ચેરમેન બાબુભાઇ ધોડાસરા, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લામહિલા ઉત્પાદક સંધના પ્રમુખ હંસાબેન વડાવીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રધુભાઇ ગડારા, મંજુલાબેન દેત્રોજા, મેધજીભાઇ કંઝારીયા, લાખાભાઈ જારીયા, હિરેનભાઈ પારેખ, જ્યોતીસિંહ જાડેજા, અરવિંદભાઈ વાસદાડિયા, દુરાલાભ્જીભાઈ દેથારીયા, જયુભા જાડેજા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા, નરેન્દ્રભાઈ સંઘાત, હરેશભાઈ બોપલીયા, નીલેશભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદિપસિંગ, કલેકટર જે.બી. પટેલ, ડીડીઓ એસ.એમ. ખટાણા, એસપી ડો. કરણરાજ વાધેલા, અધિક નિવાસી કલેકટર કેતન પી. જોષી, પ્રાંત અધિકારી ગંગાસિંહ સહિતના જીલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement