અમરેલીમાં ગાયોને રેઢી મુકનાર 12 માલિકો સામે ફરિયાદ

08 November 2019 12:59 PM
Amreli
  • અમરેલીમાં ગાયોને રેઢી મુકનાર 12 માલિકો સામે ફરિયાદ

પોલીસ અને પાલિકાની સંયુકત કામગીરીથી જનતા ખુશ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.8
અમરેલી શહેરમાં રખડતી-ભટકતી ગાયને કારણે જયાં- ત્યાં ટ્રાફીક સમસ્યા તથા નાના-મોટા અકસ્માતોનાં બનાવો બનતાં હોય ત્યારે કેટલાંક કિસ્સામાં માનવ જીંદગી તથા ગાયને ઈજા થવાનાં બનાવો બનતા બે દિવસ પહેલા અમરેલી ટ્રાફીક પોલીસ તથા અમરેલી નગરપાલિકાએ આવી રખડતી-ભટકતી ગાયોને માર્ગ ઉપરથી પકડી પાંજરાપોળમાં મોકલી આપી હતી.
આ બનાવ બાદ આવી રીતે ગાયને રસ્તા ઉપર છુટી મુકી ટ્રાફીક સમસ્યા સર્જવા તથા અકસ્માતનાં બનાવો બનવાનાં કારણે 1ર જેટલા અજાણ્યા ગાયનાં માલીક સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધી આવા ગાયનાં માલીકની શોધખોળ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરવામાં આવી છે.
હજુ પણ શહેરનાં અનેક ભાગોમાં આવી રીતે ગાયનાં ધણ જોવા મળતાં હોય પોલીસ તથા નગરપાલિકા ઘ્વારા આવીગાયને પકડી પાંજરાપોળમાં મુકી ગાયનાં માલીક સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
તરૂણી પર દુષ્કર્મ
લાઠી સીમ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષિય પરપ્રાંતિય તરૂણીને ગત તા.રર/10 પહેલાનાં 10-1પ દિવસ પહેલાં હાલ ખરેડી ગામની સીમમાં રહેતો પરપ્રાંતિય શખ્સ પુસલીયા થાનસિંહ બામનીયા તરૂણીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી, પોતાની સાથે ભગાડી ગયા બાદ તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારી, વતનમાં ભગાડી ગયો હતો, તે દરમિયાન ભોગ બનનાર તરૂણી આરોપી પાસેથી છૂટી પડી જતાં, તેણી પોતાના પિતા પાસે પરત ફર્યા બાદ ભોગ બનનાર તરૂણીએ આ પરપ્રાંતિય શખ્સ સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારામારી
ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ રસીકભાઈ વાઘેલા નામના રર વર્ષીય યુવકનાં માસી ધતુબેન પોતાના પતિ વશરામભાઈ કેશુભાઈ વાઘેલા સાથે બોલાચાલી કરી 1પ દિવસ પહેલા યુવકનાં ઘરે આવેલા અને ચા-પાણી પી ચાવંડ ગામે તેણીનાં નણંદનાં ઘરે જતાં રહેલ. તે વાતનું મનદુ:ખ રાખી વહેલી સવારે આ રમેશભાઈ પોતાના ઘરે સુતા હતા ત્યારે વશરામભાઈ કેશુભાઈ વાઘેલાએ આવી લોખંડનાં સળીયા વડે ઘા મારી ઈજા કરી હતી. આ સમયે યુવકની માતા વચ્ચે પડતાં તેમને પણ માર મારી ઈજા કરી હતી.
આરોપી વશરામભાઈએ યુવકને કહેલ કે તે મારી પત્નિને વેચી નાખી છે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.
રાજુલા તાલુકાના જીકાદ્રી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રવિણભાઈ સોમાભાઈ જોગદીયા નામના ર1 વર્ષીય યુવકના ભાઈ ભાવેશભાઈ મરણ ગયેલ હોય આ બાબતે તેમણે જીતુભાઈ વાલાભાઈ જોગદીયાએ મર્ડર કરેલ હોય તેવી અરજીઓ કરેલ હોય તે વાતનું મનદુ:ખ રાખી સાંજના સમયે નાગેશ્રી- દુધાળા નેશનલ હાઈવેના ટોલનાકાના મજૂરી કામે ગયેલા પ્રવિણભાઈ સોમાભાઈ જોગદીયાને આરોપી પ્રતાપભાઈ લાખાભાઈ જોગદીયા તથા પ્રેમજીભાઈ હમીરભાઈ જોગદીયા પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર આવી ગાળો આપી લોખંડના સળીયા વડે માર માર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.
જાફરાબાદ તાલુકાનાં જૂની જીકાદ્રી ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં પતુભાઈ વાલાભાઈ જોગદીયા નામનાં 36 વર્ષિય રત્ન કલાકાર યુવકને તે જ ગામે રહેતાં પ્રવિણભાઈ સોમાભાઈ જોગદીયા, વિનુભાઈ સોમાભાઈ જોગદીયા તથા બગોયા ગામે રહેતાં પ્રવિણભાઈએ અગાઉનાં મનદુ:ખનાં કારણે નાગેશ્રી- દુધાળા નેશનલ હાઈવે ઉપર લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા કર્યાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઆપ્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે.


Loading...
Advertisement