હીરા ઉદ્યોગની માઠી: ત્રણ દાયકાની સૌથી તીવ્ર મંદી

08 November 2019 12:21 PM
Business Gujarat
  • હીરા ઉદ્યોગની માઠી: ત્રણ દાયકાની સૌથી તીવ્ર મંદી

નોટબંધી-જીએસટીએ પથારી ફેરવ્યા બાદ હવે વૈશ્ર્વિક મંદી ધ્રુજાવે છે: હજારો કારીગરો બેકાર; રોજગારી છે તેને પણ બે છેડા ભેગા કરવાના સાસા

રાજકોટ તા.8
નોટબંધી-જીએસટી-ઉંચા ભાવ સહિતના અનેકવિધ કારણોથી સોના-ઝવેરાતના માર્કેટમાં હજારો કારીગરો બેકારીમાં હોમાઈ ગયા છે તો આ માર્કેટ આધારિત જ હીરાબજારની હાલત પણ સાથી નથી. હજારોની સંખ્યામાં હીરા કારીગરો પણ બેકારીના ખપ્પરમાં ધકેલાઈ ગયા છે.
વિશ્ર્વના 80 ટકા હીરા ગુજરાતના હીરા ઉદ્યોગમાંથી પસાર થાય છે. પોલીસીંગ, કટીંગ જેવી અનેકવિધ પ્રક્રિયા થયા બાદ હીરા કરી જે-તે પાર્ટી પાસે પહોંચે છે. પરંતુ આર્થિક સ્લોડાઉન-મંદીએ હીરાઉદ્યોગની ચમક સાવ ઝાંખી પાડી નાંખી છે.
ગુજરાતના સૌથી મોયા અને સમગ્ર દેશ- વિશ્ર્વનું હીરાનું મથક ગણાતા સુરતના ડાયમંડ વર્કર્સ એસોસીએશનના કથન મુજબ રાજયના જુદા-જુદા સેન્ટરોમાં 25 લાખ હીરા કારીગરો છે તેમાંથી 36000 બેકાર બની ગયા છે. નોટબંધી તથા જીએસટીએ હીરા ઉદ્યોગને તીવ્ર અસર કરી હતી. ત્યારબાદ વર્તમાન મંદીએ સંખ્યાબંધ હીરાકંપનીઓનો મૃત્યુઘંટ વાગી ગયો છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારીની હાલત અત્યંત ગંભીર છે. દિવસે દિવસે રોજગારી ગુમાવતા કારીગરોની સંખ્યા વધતી જાય છે. વિશ્ર્વભરમાં ઉત્પાદીત 90 ટકા કાચા હીરા પોલીસીંગ કામ માટે ભારત આવે છે. પરંતુ ઘરઆંગણે તથા ઘટેલી ડીમાંડને કારણે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળાની આયાતમાં 19 ટકાનો ઘટાડો છે. પરિણામે હજારો કારીગરો બેકાર બન્યા છે. કોઈપણ જાતની પૂર્વ નોટીસ કે વધારાના પગારલાભ આપવા સિવાય છુટ્ટા કરી દેવામાં આવતા છેલ્લા એક વર્ષમાં 10 કારીગરોએ આપઘાત કરી લીધા હતા. અન્ય સિવાય સામાજીક દુષણો પણ સર્જાય રહ્યા છે. હીરાના વેપારીઓ-કંપનીઓમાં કામ ઘટી ગયુ હોવાથી કારીગરોની આવક-કમાણીમાં પણ ઘટાડો છે. ભૂતકાળમાં 12 કલાકની બદલે હાલ ચાર-છ કલાકનું જ કામ મળે છે. બે-બે દાયકા કે વર્ષોથી આ વ્યવસાયમાં હોવાના કારણે અન્ય કયાંય મેળ પણ પડી શકતો નથી.
હીરા કારીગરોના કહેવા પ્રમાણે આવકમાં કાપ આવતા જીવન નિર્વાહના સાંસા પડયા છે અને દેણામાં ડુબવાનો વખત આવ્યો છે. પરિસ્થિતિ સુધરવાની આશામાં લોન લઈને બે છેડા ભેગા કરાતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી હોવાથી આશા ભાંગવા લાગી છે. અનેક કારીગરોને તો ગુજરાત ચલાવવા ઘરવખરી વેચવાનો પણ વખત આવ્યો છે. નાણાકીય સંકટમાં અમુકના ઘર ભાંગ્યા છે.ભારતમાં જીએસટી-નોટબંધી તથા આર્થિક સ્લોડાઉન ઉપરાંત વિશ્ર્વસ્તરના ઘટનાક્રમોએ પણ હીરા ઉદ્યોગની વર્તમાન ખરાબ હાલતમાં ભાગ ભજવ્યો છે. હોંગકોંગમાં કેટલાંક વખતથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મધ્યપુર્વમાં વેટ લાગુ પાડવામાં આવ્યો હોવાથી તથા સ્લોડાઉનની હાલત ઉભી થઈ છે. ભારતમાંથી પોલીશ્ડ ડાયમંડની નિકાસ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 18.87 ટકા ઘટી હતી.
અમદાવાદના હીરાબજારમાં બે લાખ કારીગરો હતા તે સંખ્યા ઘટીને 70000 થઈ ગઈ છે. 5100 વેપારીઓમાંથી હવે માંડ 1200 સક્રીય છે. છેલ્લા બે વર્ષથી હીરાબજારની માઠી છે. હીરા એકમાં અગાઉ 12 કલાક કાર્યરત રહેતા હતા તે હવે માંડ 3થી8 કલાક ચાલે છે.
અમદાવાદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નરસીભાઈ પટેલે કહ્યું કે વૈશ્ર્વિક આર્થિક મંદીની અસર છે. હોલસેલરો પોલીશ્ડ હીરા ખરીદતા નથી એટલે નાના એકમોના કામ ઘટી ગયા છે. સૌથી મોટો ફટકો કારીગરોને છે. હીરા વેપારીઓના કહેવા પ્રમાણેહીરા ઉદ્યોગ માટે છેલ્લા 30 વર્ષનો આ સૌથી ખરાબ તબકકો છે. ચોવીસ કલાક ધમધમતા યુનિટોમાં હવે આઠ કલાકની એક પાળીનું પણ કામ નથી.


Loading...
Advertisement