કચ્છમાં બોર્ડર વિંગ બેરેકમાં કમાન્ડર સહિત બે જવાનો પીધેલ ઝડપાયા : દારૂનો જથ્થો કબ્જે

08 November 2019 10:48 AM
Jasdan
  • કચ્છમાં બોર્ડર વિંગ બેરેકમાં કમાન્ડર સહિત બે જવાનો પીધેલ ઝડપાયા : દારૂનો જથ્થો કબ્જે

એક નિવૃત કંપની કમાન્ડરે જમાવેલી મહેફીલમાં બોર્ડર રેન્જ આઇજીની સ્કવોર્ડના દરોડાથી ચર્ચા

ભૂજ તા.8
કચ્છના બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ગઈકાલે રાત્રે હરિપર માર્ગ પર તેમની કચેરીને અડીને આવેલા જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી.
તે સમયે જેઆઈસીની સુરક્ષામાં તૈનાત બોર્ડર વીંગના જવાનોની બેરેકમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાનું ધ્યાને આવતાં તેમણે ભુજ બી ડિવિઝન પોલીસને દરોડો પાડવા સૂચના આપી હતી.
દરોડા દરમિયાન એક નિવૃત્ત કંપની કમાન્ડર અને બીજો નિવૃત્તિના આરે આવેલો કંપની કમાન્ડર દારૂની મહેફિલ માણતાં ઝડપાઈ જતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. બેરેકની જડતી દરમિયાન પોલીસને દારૂની બે સીલબંધ બોટલ અને બે અડધી-પડધી ભરેલી મળી ચાર બોટલ મળી આવી હતી. રેન્જ આઈજીની સૂચનાના પગલે ભુજ બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજાએ કલેક્ટર કચેરીના બે ક્લાર્કને પંચો તરીકે સાથે રાખીને રાત્રે 10 વાગ્યે બોર્ડર વીંગની બેરેકમાં દરોડો પાડ્યો હતો. બેરેકમાં 57 વર્ષિય રશ્મિકાંત ઓચ્છવલાલ પટેલ નામનો બોર્ડર વીંગની બટાલિયન નંબર-2નો કંપની કમાન્ડર અને શ્રવણકુમાર કેશવલાલ પટેલ નામનો 59 વર્ષિય નિવૃત્ત કંપની કમાન્ડર દારૂ પીતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતા. આર.ઓ.પટેલ મૂળ અમદાવાદના વસ્ત્રાપુરનો છે. જ્યારે એસ.કે. પટેલ ભુજની મુંદરા રીલોકેશન સાઈટમાં રહે છે. પોલીસે બેરેકના કબાટની તલાશી લેતાં તેમાંથી પીટર સ્કોટ અને બ્લેન્ડર્સ પ્રાઈડ નામની બે વ્હિસ્કીની સીલબંધ બોટલ મળી આવી હતી અને સ્થળ પરથી પોલીસે અન્ય બે બ્રાન્ડની અડધી ભરેલી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. આર.ઓ.પટેલે પોલીસને હતું જણાવ્યું કે ગત મહિને નાસિકની મુલાકાતે પોતે ગયેલા ત્યારે આ બોટલ્સ ખરીદી હતી. ત્યારબાદ પોલીસે બોર્ડર વીંગના એએસઆઇ ઈન્દ્રજીતસિંગ તંવરને સાથે રાખીને અન્ય બેરેકમાં પણ સઘન તપાસ કરી હતી. પરંતુ તેમાં કશું વાંધાનજક મળ્યું નહોતું. બંને સામે મોડી રાત્રે પોલીસે દારૂબંધીના કાયદાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.


Loading...
Advertisement