મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કોઈ સમાધાન નહીં નીકળે તો આજે CM દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે!

08 November 2019 09:05 AM
India Politics
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કોઈ સમાધાન નહીં નીકળે તો આજે CM દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે!

સૂત્રોના કહેવા પ્રમાણે બીજેપી અને શિવસેના વચ્ચે હાલ સંવાદ બિલકુલ ઠપ થઈ ગયો છે, આથી ઝડપથી કોઈ સમાધાન આવવું મુશ્કેલ છે.


મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના 13માં દિવસે પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને અવઢવની સ્થિતિ છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જો આઠમી નવેમ્બર સુધી સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધી સીએમ દેવેન્દ્ર ફડવણીસ તેમજ અન્ય મંત્રીઓ પોતાની સરકારી ગાડીઓ અને અન્ય સુવિધા પરત આપી શકે છે. બીજેપી ફક્ત શુક્રવાર સાંજ સુધી રાહ જોશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બીજેપી અને શિવસેના વચ્ચે હાલ કોઈ જ ચર્ચા નથી થઈ રહી, આ જ કારણે કોઈ સમાધાન આવે તેવી દેખાતું નથી.

બીજેપીના નેતાઓ રાજ્યપાલને મળ્યા
આ પહેલા ગુરુવારે બીજેપીના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. મુલાકાત બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે, લોકોએ ભાજપા-શિવસેનાની જોડાણને બહુમતિ આપી છે. સરકાર બનાવવામાં મોડું થઈ રહ્યું છે, અત્યાર સુધી સરકાર બની જવી જોઈતી હતી. અમે રાજ્યમાં કાયદાકીય વિકલ્પો અને રાજનીતિ સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યપાલને મળ્યા હતા. અમે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરીશું.

ઉદ્ધવ નિર્ણય લેશે
આ દરમિયાન માતોશ્રી ખાતે (શિવસેના મુખ્યાલય) નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લે તે માન્ય રહેવાની વાત કરી છે. બેઠક પછી શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે કહ્યુ કે, "અમે આગામી બે દિવસ સુધી હૉટલમાં રહીશું. ઉદ્ધવ ઠાકરે જે સૂચના આપશે તેનું અમે પાલન કરીશું."

NCPનો બીજેપી પર આક્ષેપ
મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે ટ્વિટ કરીને બીજેપી (ભારતીય જનતા પાર્ટી) પર આક્ષેપ લગાવ્યા હતા. જયંત પાટિલે કહ્યુ કે, "જે નેતા 25 વર્ષ જૂની સાથી પાર્ટીનું વચન પૂર્ણ નથી કરી શકતી તે લોકોનું શું ભલુ કરશે. 'હું આપેલા વચનનું પાલન કરું છું...' જેવા નિવેદનોથી પોતાનું બ્રાન્ડિંગ કરનારા મુખ્યમંત્રી 25 વર્ષ જૂની સાથી શિવસેનાને આપેલું વચન પૂરું નથી કરી રહ્યા. આટલા જૂના સાથીને આપેલું વચન પૂરું નથી કરતા ત્યારે મહારાષ્ટ્રની જનતાને આપેલા વચનો શું તેઓ પૂરા કરી શકશે?"


Loading...
Advertisement