ધારીના કોઠા પીપરીયામાં અઢી લાખની ઘરફોડ ચોરી

07 November 2019 12:58 PM
Bhavnagar Crime
  • ધારીના કોઠા પીપરીયામાં અઢી લાખની ઘરફોડ ચોરી

જાફરાબાદનાં ટીંબીમાં ઘોળા દિવસે રૂા.84 હજારની મતાની ચોરી

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.7
ધારી તાલુકાના કોઠા પીપરીયા ગામે રહેતા વિસાવદર ગામે ભવાની વેસ્ટર્ન નામની દુકાન ધરાવતા જીગ્નેશભાઈ ધીરૂભાઈ સરધારા નામના 30 વર્ષીય વેપારી યુવક ગત રાત્રીના સમયે પોતાના પરિવાર સાથે અલગ અલગ રૂમમાં સૂઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે એક બંધરૂમનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી લોખંડની બેગમાંથી સોના ચેઈન નંગ-ર કિંમત રૂા. 70 હજાર, સોનાની ડાયમંડ વાળી વીંટી નંગ-1 કિંમત રૂા. 10 હજાર, લાકડાના પટારામાં રાખેલ સૂટકેશમાંથી બે જોડી સોનાની કાનની બુટી કિંમત રૂા. ર6 હજાર, સોનાનો હાર નંગ-1 કિંમત રૂા. 60 હજાર તથા રોકડ રકમ રૂા. 87 હજાર મળી કુલ રૂા.ર,પ3,000ના મુદામાલની કોઈ અજાણ્યો તસ્કર રાત્રીના 1ર થી આજે સવારે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા બનાવ અંગે પોલીસે ડોગ સ્કવોર્ડ, ફીંગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ વડે વધુ તપાસ હાથ ધરી છે. ખોબા જેવડા ગામમાં રૂપિયા અઢી લાખ ઉપરાંતના મુદામાલની ચોરીના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.
બીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા અને ઘરકામ કરતા લક્ષ્મીબેન ઉર્ફે કમળાબેન બેચરભાઈ સરવૈયા આજે સવારે પોતાનો પરિવાર અલગ અલગ જગ્યાએ કામ ધંધો કરવા ગયેલા ત્યારે સવારે 7:30 થી બપોરના 1:30 કલાક દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે આ બંધ રહેણાંક મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ત્રણ અલગ અલગ ડબ્બામાં રાખેલ રોકડ રકમ રૂા. 66 હજાર, ચાંદીના છડા જોડી નંગ-ર કિંમત રૂા. 6 હજાર, સોનાની કડી જોડી નંગ-ર કિંમત રૂા. 1ર હજાર મળી કુલ રૂા. 84,000ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
ફરજમાં રૂકાવટ
સાવરકુંડલા ગામે રહેતા અને ખાંભા તાલુકાના તાલડા ગામે તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ ઝવેરભાઈ બારૈયા નામના પ1 વર્ષીય ત.ક.મ. પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે તાલડા ગામે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ પરમાર આવી કહેલ કે જીવરાજભાઈનો 4 વર્ષનો વેરો રૂા. 660 થાય છે અને મારો 4 વર્ષનો વેરા રૂા. ર400 કેમ થાય છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગામની મહિલા તથા લોકોની હાજરીમાં તકમને ગાળો આપી ખરાબ વર્તન કરી, પાડી દેવાની તથા પતાવી દેવાની ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ ત.ક.મ.એ ખાંભા પોલીસમાં નોંધાવી છે.


Loading...
Advertisement